ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનો પ્રોજેક્ટ પડતો મૂકાતા મુસાફરોની મુશ્કેલી વધશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં પીએમ ઈ-બસ યોજના હેઠળ હાલમાં ૫૦ ઈલેક્ટ્રિક બસો કાર્યરત થઈ છે અને શહેરના વિવિધ રૃટ પર દોડાવવામાં આવી રહી છે. જોકે, ઈ-બસોની સંખ્યા વધારવામાં આવી રહી હોવા છતાં તેની સામે જરૃરી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશન પાસે હાલ માત્ર ૨૫ ઈ-બસ ચાર્જ થઈ શકે તેટલી ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે શહેરમાં ઈ-બસોની સંખ્યા ૫૦ થઈ ગઈ છે અને હજુ એ સંખ્યા વધશે ત્યારે બાકીની બસોનું ચાજગ ક્યાં કરવામાં આવશે અને બસો, પૂરતી ચાર્જિંગ સુવિધા વિના કેવી રીતે નિયમિત દોડશે તે અંગે સવાલો ઊઠી રહ્યા છે.
શહેરમાં ઈ-બસ સેવા શરૃ થયા બાદ અવારનવાર બસો રસ્તા વચ્ચે બંધ પડી જવાની ઘટનાઓ બની રહી છે. એક તરફ પ્રદૂષણમુક્ત જાહેર પરિવહન સેવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અપૂરતી વ્યવસ્થાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સયાજીગંજમાં રેલવે સ્ટેશનની સામે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન હતું. આ આયોજનને એક વર્ષ પૂર્ણ થવા છતાં સ્થળ પર કોઈ કામગીરી થઈ નથી. આ પ્રોજેક્ટ માટે રૃ.૭.૩૬ કરોડનો કોન્ટ્રાક્ટ એચ.કે. રામાણીને આપવામાં આવ્યો હતો. હવે આ ચાર્જિંગ સ્ટેશનનો પ્રોજેક્ટ જ રદ કરાતા તંત્રના ભાવિ આયોજન સામે સવાલો ઊભા થયા છે.
જે સ્થળે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન હતું, તે જ સ્થળે હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સિટિ સ્ક્વેર બનાવવાનું નક્કી કરાયું છે, જેના કારણે ચાર્જિંગ સ્ટેશન પ્રોજેક્ટમાં વિલંબ થયો હોવાની સ્થિતિ વચ્ચે હવે પ્રોજેક્ટ રદ કરવાની નોબત આવી છે.
આ ઉપરાંત, ઈ-બસો શરૃ કરતા અગાઉ દોડતી કોન્ટ્રાક્ટની કેટલીક બસો બંધ કરી દેવાઈ છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં મુસાફરોને મુશ્કેલી પડે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે.




