ફતેગંજમાં ખુલ્લી તલવારોના પ્રદર્શન મામલો : સુઓમોટો ગુનો દાખલ કરવા માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : ફતેગંજ વિસ્તારમાં જાહેર રોડ પર ખુલ્લી તલવારોના પ્રદર્શનના મામલે પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે. વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા દ્વારા ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને રજૂઆત કરી આ મામલે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
સમિતિની રજૂઆત મુજબ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે તા. 26 એપ્રિલ, 2026ના રોજ ફતેગંજ વિસ્તારમાં મુખ્ય જાહેર રોડ પર આશરે 40થી 50 લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન જાહેર માર્ગ પર ટ્રાફિક અવરોધીને ખુલ્લી તલવારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે વિસ્તારના ઉમેદવારોને સામસામે ઉંચી કરાયેલી ખુલ્લી તલવારો વચ્ચેથી પસાર કરાવવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે વડોદરા પોલીસ કમિશનર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીને તાત્કાલિક ફરિયાદ કરવામાં આવી હતી. સમિતિનું કહેવું છે કે જાહેરમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા ખુલ્લી તલવારોનું પ્રદર્શન કરવામાં આવે ત્યારે પોલીસ દ્વારા સ્વમેળે એટલે કે સુઓમોટો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
રજૂઆત મુજબ, પોલીસ તરફથી મળેલી જાણમાં તેમની અરજી અંગે ઉપરી અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. જોકે, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મળેલા જવાબમાં અરજીના સંદર્ભમાં કોઈ કાર્યવાહી કરવાની રહેતી ન હોવાથી અરજી ફાઇલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ બંને જવાબોને લઈને ફરિયાદકર્તાઓએ પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિએ DGPને કરેલી રજૂઆતમાં માંગ કરી છે કે ઘટનાની ગંભીરતાથી તપાસ કરી કાયદાનો ભંગ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી તલવારો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે અને સંડોવાયેલા ઇસમોનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસવામાં આવે.
સમિતિએ રજૂઆતમાં જણાવ્યું છે કે પોલીસની હાજરીમાં જ જાહેર સ્થળે કાયદાનો ભંગ થાય અને કાર્યવાહી ન થાય તો આવા કિસ્સાઓનું પુનરાવર્તન થવાની શક્યતા રહે છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભવિષ્યમાં આવા બનાવો માટે દાખલો બેસે તે માટે તાત્કાલિક અને નક્કર કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.









