એક્સપ્રેસ હાઇવે પર ઝાડ કાપતા મજૂરો પર કાર ફરી વળતા ૧નું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે આસોજ પાસે ડિવાઇડર પર ઝાડ કાપવાનું કામ કરતા ત્રણ શ્રમજીવીઓ પર એક કાર ફરી વળતા એકનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બેને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશ રાજ્યના શિવપુરા જિલ્લાના કરેરા તાલુકાના ઉદવાડા ગામમાં રહેતો અનુપસિંઘ વિરસિંહ આદિવાસી (ઉ.વ.૩૫) હાલ નડિયાદ ટોલનાકા પાસે રહીને એક્સપ્રેસ હાઇવે પર મજૂરીનું કામ કરતો હતો. આજે બપોરે તેઓ અન્ય શ્રમજીવીઓ સાથે આસોજ ટોલનાકા પાસે ડિવાઇડર પર ઝાડ કટિંગનું કામ કરતા હતાં. દરમિયાન બપોરે એક વાગે વડોદરા તરફથી પૂરઝડપે આવતી એક કારે અનુપસિંઘ તેમજ અન્યને અડફેટમાં લેતા મોટો અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના પગલે ટોલનાકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતાં. આ અકસ્માતમાં અનુપસિઘનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે શ્રમજીવીઓને ઇજા થતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતની જાણ થતા મંજુસર પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. આ અંગે પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદનના આધારે કારના ચાલક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.




