Baroda

ભાજપના પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચામાં વડોદરા શહેરની બાદબાકી : કાર્યકરોમાં છૂપો રોષ

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
ભાજપ ગુજરાતે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓની નિમણૂકો જાહેર કરી છે. આ નિમણૂકોમાં વડોદરા જિલ્લામાંથી વિનોદભાઈ સોલંકીને મહામંત્રી બનાવાયા છે, પરંતુ વડોદરા શહેરમાંથી એક પણ આગેવાનને સ્થાન મળ્યું નથી. આના કારણે શહેરના કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળ્યો છે. અનેક સક્રિય આગેવાનો હોવા છતાં શહેરની બાદબાકી થતા સવાલો ઊભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચામાં વડોદરા શહેરની બાદબાકી : કાર્યકરોમાં છૂપો રોષ

Vadodara BJP News : ભારતીય જનતા પાર્ટી, ગુજરાત દ્વારા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓની સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવતાં વડોદરા શહેરની બાદબાકી થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રદેશ કક્ષાની આ નિમણૂકોમાં વડોદરા જિલ્લામાંથી એક આગેવાનને સ્થાન મળ્યું છે, જ્યારે વડોદરા શહેરમાંથી અનુસૂચિત જાતિના એક પણ આગેવાનની પસંદગી કરવામાં આવી નથી, જેના કારણે પક્ષના કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
ભાજપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી સહિતના વિવિધ પદો પર નિમણૂકો કરવામાં આવી છે.
આ નિમણૂકોમાં વડોદરા જિલ્લામાંથી મહામંત્રીના પદે વિનોદભાઈ રણછોડભાઈ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. જોકે, વડોદરા શહેરમાંથી એક પણ કાર્યકરને પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચામાં સ્થાન આપવામાં આવ્યું નથી.
વડોદરા શહેર ભાજપમાં અનુસૂચિત જાતિ સમાજના અનેક આગેવાનો અને કાર્યકરો લાંબા સમયથી સંગઠનમાં સક્રિય હોવા છતાં પ્રદેશ મોરચાની મહત્વની નિમણૂકોમાં શહેરમાંથી એકેય નામ નહીં આવતા કાર્યકરોમાં નારાજગીની ચર્ચા છે. શહેરમાં સંગઠનાત્મક રીતે સક્રિય આગેવાનોને પ્રદેશ કક્ષાએ પ્રતિનિધિત્વ કેમ ન મળ્યું તે અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે.
એક તરફ ભાજપ દ્વારા સંગઠનમાં તમામ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની વાત કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરમાંથી અનુસૂચિત જાતિ મોરચામાં એક પણ આગેવાનની નિમણૂક ન થતાં ‘વડોદરા શહેરની બાદબાકી કેમ?’ તેવો સવાલ કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે.
હાલમાં આ મુદ્દે કોઈ મોટા જાહેર વિરોધના બદલે કાર્યકરોમાં છૂપો રોષ અને અંદરખાને ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.