સોમાતળાવમાં ગરબા જોવા આવેલા યુવકની હત્યાનો બનાવ: રૂ. 30 લાખ અને બે મકાનની લાલચ આપી કાવતરું ઘડ્યાનો પોલીસનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં આવેલા સ્વાગત પાર્ટી પ્લોટ બહાર ગરબા જોવા આવેલા 24 વર્ષીય નિલેશ વણઝારાની હત્યાના બનાવમાં એલસીબી ઝોન-3 અને કપુરાઈ પોલીસને સફળતા મળી છે. પોલીસે હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી સહિત કુલ ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હોવાનો દાવો કર્યો છે. પોલીસ તપાસમાં હત્યા માટે રૂ. 30 લાખ અને બે મકાન અપાવવાની લાલચ આપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. અગાઉ થયેલી હત્યાની અદાવતમાં આ કાવતરું ઘડવામાં આવ્યું હોવાની પણ પોલીસને માહિતી મળી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગત 19 ઓક્ટોબરે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં હત્યા અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધાયો હતો. ફરિયાદી વિકાસ વણઝારાનો નાનો ભાઈ નિલેશ વણઝારા (ઉં.વ. 24) સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા વણઝારા સમાજના ગરબા જોવા માટે મોટરસાઇકલ લઈને ગયો હતો. રાત્રે 12:36 વાગ્યાના અરસામાં પાર્ટી પ્લોટની બહાર મોટરસાઇકલ પાર્ક કરીને બેઠો હતો, ત્યારે મોઢા પર માસ્ક પહેરીને આવેલા અજાણ્યા શખસે ધારદાર હથિયાર વડે તેના પર વારંવાર ઘા ઝીંક્યા હતા. ગંભીર ઇજાઓને કારણે નિલેશનું મોત થયું હતું અને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
અગાઉની હત્યાની અદાવતમાં કાવતરું ઘડ્યાની આશંકા
પોલીસ તપાસ દરમિયાન આશરે ત્રણ મહિના પહેલાં કિશનવાડી વુડાના મકાનો સામે કૃત્રિમ તળાવ નજીકના ખુલ્લા મેદાનમાં થયેલી હત્યાની ઘટના સામે આવી હતી. તે કેસમાં મૃતકના ભાઈ અજય વિક્રમભાઈ વણઝારા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં હોવાની વિગતો પોલીસને મળી હતી. આ અગાઉની ઘટનાની અદાવતને કારણે હાલના બનાવમાં હુમલો કરાવવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી.
આ તપાસમાં વિક્રમ ગોરધનભાઈ વણઝારાની પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેણે ગુનામાં સંડોવણી અંગે સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ પોલીસે વધુ પૂછપરછ કરતાં કાવતરાની વિગતો સામે આવી હોવાનું જણાવ્યું છે.
હત્યા માટે રૂ. 30 લાખ અને બે મકાનની લાલચ
પોલીસના જણાવ્યા મુજબ, હત્યા કરવા માટે પુનમ અમરસિંહ વણઝારાને વારંવાર આર્થિક મદદ કરવામાં આવતી હતી. ઘરનું ભાડું અને ઘરવખરી માટે પણ નાણાં આપવામાં આવતાં હતાં. ત્યારબાદ નિલેશની હત્યા કરવા બદલ રૂ. 30 લાખ અને બે મકાન અપાવવાની વાત કરવામાં આવી હતી. આ લાલચના આધારે પુનમે હત્યા કરવા સંમતિ આપી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હોવાનું જણાવાયું છે.
નિલેશની અવરજવર પર નજર રાખવામાં આવતી હતી. તે સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે ગરબા જોવા જતો હોવાની માહિતી મળતાં હત્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટનાના ત્રણથી ચાર દિવસ પહેલાં પુનમ અને વિક્રમ જાંબુવા બ્રિજ પાસેની એક હોટલમાંથી બે છરી ખરીદીને લાવ્યા હતા.
વોચ રાખવાથી માંડીને હત્યા બાદ ભાગવા સુધીનું આયોજન
પોલીસના જણાવ્યા અનુસાર, 18 ઓક્ટોબરે પુનમ, વિક્રમ, વિજયકુમાર ઉર્ફે વિજુ ઉર્ફે બ્રીજેશ અને સતિષ ઉર્ફે ગલ્લાએ ભેગા મળીને હત્યાનું આયોજન કર્યું હતું. નક્કી થયા મુજબ વિજયકુમારને સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે નિલેશની વોચ રાખવા માટે બેસાડવામાં આવ્યો હતો.
નિલેશ પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યો હોવાની જાણ થતાં વિક્રમે પુનમને નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ અને છરી આપી હતી. પુનમ મોટરસાઇકલ લઈને ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યારે સતિષ ભાડાની રિક્ષા લઈને તેની પાછળ ગયો હતો. વિજયકુમારે નિલેશ તરફ ઇશારો કરીને ઓળખ કરાવતાં પુનમે મોટરસાઇકલ ચાલુ રાખીને નજીક ઊભી રાખી હતી અને નિલેશ પાસે જઈ છરીના ત્રણથી ચાર ઘા ઝીંક્યા હતા.
હુમલો કર્યા બાદ પુનમ દોડીને થોડે દૂર પાર્ક કરેલી રિક્ષામાં બેસી ગયો હતો. હત્યામાં વપરાયેલી છરી રિક્ષાના પાછળના ભાગમાં નાખી દેવામાં આવી હતી. ત્યારબાદ તક મળતાં પુનમ મોટરસાઇકલ લઈને ભાગી ગયો હતો. થોડે દૂર મોટરસાઇકલ મૂક્યા બાદ સતિષ રિક્ષા લઈને આવ્યો હતો અને પુનમ તેની સાથે બેસીને ફરાર થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
100થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ
હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ઘટનાસ્થળની આસપાસના 100થી વધુ સીસીટીવી કેમેરાનાં દૃશ્યો તપાસ્યાં હતાં. ઘટનાસમયે હાજર લોકોની પૂછપરછ અને વિક્રમની પૂછપરછના આધારે પુનમની ઓળખ થઈ હતી. જોકે, તે મોબાઇલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો.
ટેકનિકલ અને માનવ બાતમીદારોની મદદથી તપાસ કરતાં પુનમ મહિસાગર જિલ્લા અથવા રાજસ્થાન તરફ ભાગ્યો હોવાની માહિતી મળી હતી. આથી પોલીસે બે અલગ ટીમો રાજસ્થાન અને મહિસાગર જિલ્લામાં મોકલી હતી. આખરે પુનમને મહિસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારની હદમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, પુનમની સઘન પૂછપરછ દરમિયાન તેણે ગુનામાં પોતાની સંડોવણી અને અન્ય આરોપીઓની ભૂમિકા અંગે વિગતો આપી હતી. તપાસ દરમિયાન હત્યામાં વપરાયેલી છરી પણ રિક્ષામાંથી કબજે કરવામાં આવી હતી.
ચાર આરોપીઓની ધરપકડ
આ કેસમાં પોલીસે નીચેના ચાર આરોપીઓની ધરપકડ કરી છે:
- પુનમ અમરસિંહ વણઝારા (30 વર્ષ), રહે. બ્લોક નં. 17, વ્હાઇટ વુડાના મકાન, ખોડિયારનગર, વડોદરા.
- વિક્રમ ગોરધનભાઈ વણઝારા (42 વર્ષ), રહે. ભાનુપ્રતાપ સોસાયટી, કિશનવાડી વુડાના મકાનો સામે, આજવા રોડ, વડોદરા.
- સતિષ ઉર્ફે ગલ્લો મોહનભાઈ દેવીપૂજક (21 વર્ષ), રહે. બ્લોક નં. 73, કિશનવાડી વુડાના મકાનો, કલાવતી હોસ્પિટલ સામે, વડોદરા.
- વિજયકુમાર ઉર્ફે વિજુ ઉર્ફે બ્રીજેશ દિનેશ વણઝારા (19 વર્ષ), રહે. કિશનવાડી વુડાના મકાનો પાસે, વડોદરા.
પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી અંદાજે રૂ. 200ની કિંમતની એક છરી અને અંગઝડતી દરમિયાન બે મોબાઇલ ફોન, જેની કુલ કિંમત આશરે રૂ. 20 હજાર હોવાનું જણાવાયું છે, કબજે કર્યા છે. પોલીસે ચારેય આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




