નામચીન બૂટલેગર લાલુ સિન્ધી ફરીથી વિવાદમાં જાપ્તા હેઠળ જેલમાંથી બહાર નીકળ્યા પછી ફાર્મહાઉસમાં ગયો હોવાની ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વારંવાર દારૃની પ્રવૃત્તિ કરતા અને લાલુ સિન્ધી નામની ગેંગ બનાવનાર નામચીન બૂટલેગર હાલમાં ગુજસીટોકના ગુના હેઠળ જેલમાં બંધ છે. પરંતુ,વારંવાર વિવાદ ઊભો કરનાર લાલુ સિન્ધી ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. લાલુ સિન્ધી જાપ્તા હેઠળ જેલમાંથી બહાર નીકળ્યા પછી ફાર્મ હાઉસમાં ગયો હોવાની ચર્ચા શરૃ થઇ છે.
સમગ્ર રાજ્યમાં દારૃનો ધંધો કરતી લાલુ સિન્ધી ગેંગ સામે થોડાસમય પહેલા જ ગુજસીટોકનો ગુનો દાખલ થયો છે. ગુનો દાખલ થયા પછી પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાણી(રહે. એસ.કે. કોલોની, વારસિયા) સહિત ૯ આરોપીઓની ધરપકડ થઇ હતી. રિમાન્ડ પૂરા થયા પછી આરોપીઓ હાલ જેલમાં છે. હાલમાં એક વીડિયો ચર્ચામાં આવ્યો છે. જેમાં લાલુ સિન્ધી પોલીસ જાપ્તા હેઠળ એક ફાર્મ હાઉસમાં ફરતો દેખાય છે. ચર્ચા એવી છે કે,પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં લઇ ગયા પછી તેને આંકલાવ વિસ્તારના એક ફાર્મહાઉસમાં પ્રાઇવેટ ગાડીમાં લઇ જવામાં આવ્યોે છે. તેની સાથે અન્ય એક બૂટલેગર પણ છે. કથિત બનાવ હાલનો છે કે જૂનો ? તે તપાસનો વિષય છે. લાલુનો ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે. અગાઉ બાપોદ પોલીસ સ્ટેશનમાં લાલુની સરભરા કરવા બદલ એકસાથે ૧૧ પોલીસ જવાનોની જિલ્લા બહાર બદલી થઇ હતી. ત્યારબાદ વાઘોડિયા સબ જેલ ખાતે તેને રાખવામાં આવ્યો હતો. ત્યારે પણ તે વિવાદમાં રહ્યો હતો. લાલુ સિન્ધીને હાલમાં જાપ્તા હેઠળ લઇ જનાર હેડક્વાર્ટરના પી.એસ.આઇ. આ વાત ખોટી હોવાનું જણાવે છે.પરંતુ,જેલમાંથી નીકળ્યા પછી કોર્ટમાં અને ત્યાંથી પરત જેલમાં આવતા સુધીના સમય દરમિયાનના મોબાઇલ લોકેશન કઢાવવામાં આવે તો પણ સાચી વિગતો બહાર આવી શકે તેમ છે.









