સમયસર ટેન્ડર નહીં, હવે લાઇટિંગનો ઈજારો પૂરો છતાં નવું ટેન્ડર નહીં, રૂ.35 લાખ વધારવા દરખાસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં વિવિધ પ્રસંગોએ વધારાની રોશની અને લાઇટિંગની કામગીરી માટે અપાયેલા વાર્ષિક ઈજારાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નવો ઈજારો કરવાની પ્રક્રિયા સમયસર હાથ ધરાઈ ન હોવાનું સામે આવ્યું છે. હવે ગણેશ વિસર્જન સહિતના આગામી પ્રસંગોને ધ્યાનમાં રાખીને જૂના ઈજારાની મુદત વધુ ત્રણ મહિના લંબાવવા અને નાણાકીય મર્યાદામાં રૂ.35 લાખનો વધારો કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સમયસર ટેન્ડર પ્રક્રિયા નહીં હાથ ધરાતા વારંવાર ઈજારો લંબાવવાની જરૂરિયાત ઊભી થઈ રહી હોવાને કારણે કોર્પોરેશનની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારતો, મુખ્ય માર્ગો સહિત વિવિધ સ્થળોએ પ્રસંગોપાત વધારાનું લાઇટિંગ અને રોશની કરવામાં આવે છે. તાજિયા, શ્રી ગણેશોત્સવ, દશામાના વિસર્જન, નરસિંહજીના વરઘોડા સહિતના પ્રસંગોએ પણ આ કામગીરી કરવામાં આવે છે. આ માટે વર્ષ 2025માં સ્થાયી સમિતિએ કોન્ટ્રાક્ટર ન્યુ પટેલ ડેકોરેટર્સને અંદાજ કરતાં 3.5 ટકા વધુ ભાવના આધારે રૂ.50 લાખની મર્યાદામાં કામગીરી સોંપવાની મંજૂરી આપી હતી.
આ વાર્ષિક ઈજારાની મુદત 7 ઓગસ્ટે પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન વર્કઓર્ડર આપી કુલ રૂ.49.97 લાખની કામગીરી કરાવવામાં આવી હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે. એટલે કે મંજૂર રૂ.50 લાખની મર્યાદામાંથી લગભગ સમગ્ર રકમની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બીજી તરફ નવા વાર્ષિક ઈજારાની પ્રક્રિયામાં વિલંબ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગણેશ વિસર્જન સહિતના આગામી પ્રસંગોને ધ્યાનમાં રાખીને વધારાની લાઇટિંગની જરૂરિયાત ઊભી થવાની હોવાથી જૂના વાર્ષિક ઈજારામાં વધુ રૂ.35 લાખની નાણાકીય મર્યાદા ઉમેરવા તેમજ ઈજારાની મુદત વધુ ત્રણ મહિના લંબાવવાની મંજૂરી માંગવામાં આવી છે.
નવો ઈજારો આપવા માટેની ટેન્ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવાને બદલે જૂના ઈજારાની મુદત લંબાવવાની દરખાસ્તો સામે આવતી રહેતા કોર્પોરેશનની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ટેન્ડર પ્રક્રિયા વારંવાર સમયસર હાથ ધરવાને બદલે ઈજારો લંબાવવાની પેરવી થતી હોવાના કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સાંઠગાંઠ હોવાની પણ ચર્ચા ઉઠી છે.




