15 વર્ષના કિશોરને બેટ-ઈંટથી માથામાં માર મારી ફ્રેક્ચર કરનારને જામીન નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Court : જૂની અદાવતમાં ઘરમાં ઘૂસી પરિવાર પર હુમલો કરી 15 વર્ષના કિશોરને બેટ અને ઈંટ વડે માથામાં ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં વડોદરા સેશન્સ કોર્ટે આરોપી શૈલેષકુમાર જશભાઈ પરમાર (રહે. ભાથીજી ફળિયું, સોખડા ગામ, વડોદરા)ની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે.
આરોપી સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, તા. 22 જૂન 2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યે જૂની અદાવતના કારણે આરોપી ફરિયાદીના ઘરમાં ઘૂસી ગયો હતો અને ગાળો આપી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન અન્ય આરોપીઓએ છૂટા ઈંટના ઘા કર્યા હતા.
હુમલામાં ફરિયાદીની પત્નીને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે ફરિયાદીની દીકરીને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ફરિયાદીના 15 વર્ષના દીકરાને બેટ વડે માથામાં માર મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. કિશોરના માથામાં ફ્રેક્ચર થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
જામીન અરજીનો વિરોધ કરતાં સરકાર તરફે ધારાશાસ્ત્રી એપીપી પી.સી.પટેલે દલીલ કરી હતી કે આરોપીએ સમગ્ર ઘટનામાં મુખ્ય અને સક્રિય ભૂમિકા ભજવી છે. તેણે ફરિયાદીના 15 વર્ષના દીકરાને બેટ અને ઈંટ વડે માથામાં ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સરકાર તરફે વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી વિરુદ્ધ પ્રથમદર્શનીય કેસ બને છે. આરોપી, ફરિયાદી અને સાક્ષીઓ એક જ વિસ્તારમાં રહેતા હોવાથી આરોપીને જામીન આપવામાં આવે તો ફરિયાદી તથા સાક્ષીઓ પર દબાણ લાવવાની, પુરાવા સાથે ચેડાં કરવાની તેમજ ફરીથી ઝઘડો કરી વિસ્તારમાં શાંતિનો ભંગ કરવાની શક્યતા છે.
કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર આરોપીએ ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી છે, તેથી પેરીટીના આધારે જામીન આપવાની રજૂઆત સ્વીકાર્ય નથી. આરોપી અને ફરિયાદી એક જ વિસ્તારમાં રહેતા હોવાથી પુરાવા સાથે ચેડાં થવાની તથા ફરિયાદી સાથે ફરી ઝઘડો થવાની શક્યતા પણ કોર્ટે ધ્યાનમાં લીધી હતી.
કોર્ટે વધુમાં નોંધ્યું કે આરોપીનું નામ શરૂઆતથી જ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને ગુનામાં તેની સીધી તથા સ્પષ્ટ સંડોવણી પ્રથમદર્શનીય રીતે જણાય છે.
આ તમામ હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે શૈલેષકુમાર પરમારની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે.




