MSUના સંશોધકોને IITની હેકેથોનમાં સિલ્વર મેડલ, નારિયેળની છાલમાંથી થર્મલ ઈન્સ્યુલેટેડ બોટલ કવર બનાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara MS University : એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ નાળિયેરની છાલ અને હેન્ડલૂમ વેસ્ટમાંથી ઈકો ફ્રેન્ડલી થર્મલ ઈન્સ્યુલેટેડ બોટલ કવર અને બેગ બનાવી છે. જેને આઈઆઈટી, દિલ્હી તથા ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ દ્વારા યોજાયેલી હેન્ડલૂમ હેકેથોનમાં સિલ્વર મેડલ મળ્યો છે.
ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગની વિદ્યાર્થિનીઓ નિકિતા સોનૈયા, છબીશ્રી મહેર અને શુભમ મહેરે વિભાગના અધ્યાપકો ડો.કેવલ ઉમરીગર, રિધ્ધિ પંચાલ અને અંકિતા ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આ સંશોધન હાથ ધર્યું હતું. અધ્યાપક રિધ્ધિ પંચાલનું કહેવું છે કે, અમે નાળિયેરની છાલ પર કેટલીક પ્રક્રિયાઓ કરીને થર્મલ ઈન્સ્યુલેટેડ કવર બનાવ્યું છે. જેને કોઈર ફાઈબર કહેવામાં આવે છે. આ રીતે બનાવેલા કવરમાં સ્ટીલની બોટલમાં પાણી કે બીજુ કોઈ પણ પ્રવાહી ભરીને મૂકવામાં આવે છે તો તેનું તાપમાન યથાવત રહે છે. આ કવર માટેની બેગ બનાવવા અમે હેન્ડલૂમ વેસ્ટનો ઉપયોગ કર્યો છે.
આઈઆઈટી દિલ્હી ખાતે યોજાયેલી હેન્ડલૂમ હેકેથોનમાં આ સંશોધનને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. દેશની વિવિધ કોલેજોની 100 ટીમોએ તેમાં ભાગ લીધો હતો. યુનિવર્સિટીની ટીમ તેમાંથી શોર્ટ લિસ્ટ થયેલી 40 ટીમોમાં હતી. એ પછી ચાર કેટેગરી માટે 10-10 ટીમોની પસંદગી કરાઈ હતી. જેમાં સસ્ટેનેબલ એન્વાર્યમેન્ટ ઈમ્પેકટ કેટેગરીમાં યુનિવર્સિટીની ટીમનો પણ સમાવેશ થતો હતો. જેના માટે ટીમને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.









