વહેલી સવારે અકોટા દાંડિયાબજાર રોડ પર નશેબાજ કારચાલકે માતા પુત્રને અડફેટે લેતા માતાનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વહેલી સવારે ખંડેરાવ માર્કેટમાં જતા માતા, પુત્રને અકોટા દાંડિયાબજાર બ્રિજના છેડે પૂરઝડપે આવતી કારે અડફેટે લેતા માતાનું મોત થયું છે. જ્યારે પુત્રને ઇજા થઇ છે. રાવપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અકોટા પોલીસ લાઇન ગુજરાત હાઉસિંગમાં રહેતા મધુબેન નટુભાઇ માળી તથા તેમનો પુત્ર સુનીલ નટુભાઇ માળી દિવાળીનો તહેવાર હોઇ વહેલી સવારે ખંડેરાવ માર્કેટ જવા નીકળ્યા હતા.માતા અને પુત્ર ટુ વ્હીલર પર જઇ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરઝડપે આવતી એક કારના ડ્રાઇવરે જોરદાર ટક્કર મારતા માતા પુત્ર રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. ત્યારબાદ કાર ચાલક ભાગ્યો હતો. પરંતુ, લોકોએ પીછો કરીને કાર ચાલક અને તેના સાથે બેઠેલા યુવકને ઝડપી પાડયા હતા. જ્યારે બીજી તરફ ઇજાગ્રસ્ત માતા, પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મધુબેનને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જ્યારે સુનીલને ડાબા હાથ અને પગ પર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન મધુબેનનું મોત થયું છે. બનાવના પગલે લોકોનો ટોળા સયાજી હોસ્પિટલ પર ઉમટી પડયા હતા. મૃતકના પરિવારની માંગ હતી કે, ટક્કર મારીને ભાગી ગયેલા કારચાલકને કડક સજા થવી જોઇએ. કારચાલકે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવતા પોલીસે આ અંગે પણ કાર્યવાહી હાથ ધરી છે.




