ટર્પેન્ટાઇન નાખતા લાગેલી આગમાં માતા, પુત્રી દાઝી ગયાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રસોઇ બનાવવા ચૂલો ઝડપથી સળગે તે માટે જ્વલનશીલ પ્રવાહી નાખતા લાગેલી આગમાં સખત રીતે દાઝી ગયેલી બે વર્ષની બાળકીનું એક મહિનાની સારવાર પછી મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડભોઇરોડ સોમા તળાવ નજીક કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા દીપચંદ જયસ્વાલ કલર કામ કરે છે. ગત ૪ થી તારીખે રાત્રે તેમની પત્ની રસોઇ બનાવતી હતી. તે સમયે જ ગેસ બોટલ પૂરો થઇ ગયો હતો. રસોઇ બનાવવા માટે તે ચૂલો સળગાવવાની તૈયારી કરતી હતી. ચૂલો ઝડપથી સળગી જાય તે માટે ટર્પેન્ટાઇનના બે ટીપા નાખવા જતા વધુ ટર્પેન્ટાઇન પડી જતા આગની ઝાળ છેક બોટલ સુધી પહોંચી ગઇ હતી. તેના હાથમાંથી બોટલ છૂટી જતા જમીન પર પણ ટર્પેન્ટાઇન ઢોળાયું હતું. જેમાં લાગેલી આગથી મહિલા બંને પગે દાઝી ગઇ હતી. જ્યારે નજીકમાં રમતી બે વર્ષની બાળકી આખા શરીરે સખત રીતે દાઝી ગઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું છે.









