Baroda

મેડિકલ પ્રવેશમાં 120થી વધુ શંકાસ્પદ S.T. પ્રમાણપત્રનો વિવાદ : બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટની તપાસ કરવા રજૂઆત

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા: ગુજરાતમાં મેડિકલ પ્રવેશ 2026 પ્રક્રિયામાં ST કેટેગરીમાં 120થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ઉઠ્યો છે. દાહોદના બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટે આદિજાતિ વિકાસ વિભાગને રજૂઆત કરી તમામ ST ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ બાદ જ પ્રવેશ આપવા અને શંકાસ્પદ 120થી વધુ પ્રમાણપત્રોની તાત્કાલિક તપાસની માંગ કરી છે. અગાઉ 25 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

મેડિકલ પ્રવેશમાં 120થી વધુ શંકાસ્પદ S.T. પ્રમાણપત્રનો વિવાદ : બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટની તપાસ કરવા રજૂઆત

Vadodara News : ગુજરાત રાજ્યમાં મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 દરમિયાન અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીમાં 120થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો સામે આવ્યો છે. આ મામલે દાહોદના બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચિવ, આદિજાતિ વિકાસ નિયામક તેમજ આદિજાતિ, કુટીર અને ખાદી ગ્રામ ઉદ્યોગ વિભાગના મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
ટ્રસ્ટે તમામ એસટી ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કર્યા બાદ જ મેડિકલ પ્રવેશ આપવા અને શંકાસ્પદ પ્રમાણપત્રો ધરાવતા 120થી વધુ ઉમેદવારોના પ્રમાણપત્રોની તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. આ સાથે શંકાસ્પદ પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારોની યાદી પણ સોંપવામાં આવી છે.
ટ્રસ્ટની રજૂઆત મુજબ, ધોરણ-10 પછી શિક્ષણમાં મળતા લાભો અને સરકારી નોકરીમાં અનામતનો લાભ મેળવવા માટે જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાવવાની જોગવાઈ છે. તેમ છતાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને મેડિકલ એડમિશન કમિટી દ્વારા પ્રમાણપત્રોની ખરાઈ કર્યા વિના પ્રવેશ પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટે આ પ્રક્રિયાને જાતિ પ્રમાણપત્ર કાયદો-2018 અને નિયમો-2020ની જોગવાઈઓના ભંગ સમાન ગણાવી છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, જો શંકાસ્પદ પ્રમાણપત્રોના આધારે બિનઆદિવાસી ઉમેદવારો એસટી અનામતનો લાભ મેળવે તો ખરેખર આદિવાસી વિદ્યાર્થીઓને તેમના હકની બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે. તેના કારણે લાયક વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આથી મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં તમામ એસટી ઉમેદવારોનાં પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવે અને શંકાસ્પદ પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારોની તપાસ તાત્કાલિક પૂર્ણ કરીને નિયમ મુજબ નિર્ણય લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
ગુજરાતમાં મેડિકલ અભ્યાસની કુલ 5,350 બેઠકોમાંથી 15 ટકા લેખે એસટી કેટેગરી માટે 675 બેઠકો અનામત હોવાનો ઉલ્લેખ કરતાં ટ્રસ્ટે અનામતના લાભો ખરેખર આદિવાસી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
અગાઉ સંગઠનની રજૂઆત બાદ ચકાસણી થતા 25 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા હતા
મેડિકલ પ્રવેશમાં એસટી અનામતનો લાભ બિનઆદિવાસી ઉમેદવારો મેળવી રહ્યા હોવાની ફરિયાદો અગાઉ પણ ઊઠી ચૂકી છે. તે વખતે આદિવાસી સંગઠનોને એસટી અનામત કેટેગરીમાં પ્રવેશ માટે અરજી કરનારા 80 વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો બોગસ હોવાની માહિતી મળી હતી. આ પૈકી 28 વિદ્યાર્થીઓ તપાસ પ્રક્રિયા દરમિયાન સમિતિ સમક્ષ હાજર રહ્યા નહોતા. ત્યારબાદ તપાસ સમિતિએ નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) સ્તરે તપાસ શરૂ કરાવી હતી. અને 25 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યો હતો. હવે ફરી 120થી વધુ શંકાસ્પદ પ્રમાણપત્રોનો મુદ્દો ઊઠતાં એસટી અનામત હેઠળ મેડિકલ પ્રવેશની પારદર્શિતા સામે સવાલો ઊભા થયા છે.