મોબાઇલ હેક થયો, પાંચ મિનિટ બાદ શરૃ થયો તો બેન્ક બેલેન્સ ખાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લામાં રહેતા નાગરિકો સાયબર ગઠિયાઓનો સરળતાથી ભોગ બની રહ્યા છે. દવાખાનામાં ઇમરજન્સીના બહાને તેમજ ફોન હેક કરી પૈસા પડાવવાના બે કિસ્સામાં બે શખ્સોના રૃપિયા ઓનલાઇન ચાંઉં થયા છે.
ડભોઇમાં ચુનીલાલ પાર્ક સોસાયટીમાં રહેતા હેવન રમેશભાઇ ધોબીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર લુમોરા ટીવી નામની એક એપ્લિકેશન જણાતા તેને ઇન્સ્ટોલ કરી હતી પરંતુ મોબાઇલમાં રિસ્ક એપનું નોટિફિકેશન આવતા તેને અનઇન્સ્ટોલ કરી દીધી હતી. બાદમાં સાંજે પૈસા ટ્રાન્સફર કરવા માટે જીપેનો ઉપયોગ કરતો હતો ત્યારે અચાનક મોબાઇલ હેક થઇ ગયો હતો અને ડિસ્પ્લે પર ઇન્ટોલ સિસ્ટમ લખાણ આવ્યું હતું. પાંચ મિનિટ બાદ મોબાઇલ શરૃ થયો ત્યારે બેલેન્સ માત્ર ૦.૪૪ પૈસા બતાવતું હતું. મારા બેન્ક એકાઉન્ટમાંથી બારોબાર કુલ રૃા.૧.૪૧ લાખ ઉપડી ગયા હતાં. ઉપરોક્ત પોલીસ ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં પાદરા તાલુકાના વડુ ગામે નાની ખડકીમાં રહેતા સૌરભ નરેન્દ્રભાઇ પટેલે વડુ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે હું ફેબ્રિકેશનનો ધંધો કરું છું. તા.૨ સપ્ટેમ્બરના રોજ હું સુરતથી ઘેર આવતો હતો ત્યારે રાત્રે મોબાઇલ પર એક શખ્સનો ફોન આવ્યો હતો અને હું રહેમાનઅલી બોલું છું, તમારા લખનૌ ખાતે આવેલ ટર્મિનલમાં કામ કરું છું, દવાખાનામાં ઇમરજન્સી પૈસાની જરૃર છે, મને રૃા.૧ લાખ મોકલી આપો, તમે મારા પગારમાંથી કાપી લેજો તેમ કહેતા મેં મારી પાસે આટલી રકમ નથી રૃા.૫૫ હજાર નાખી આપું તેમ કહી મારા જેએસએન પેટ્રો કેમ એન્જિનિયરિંગ સર્વિસના બેન્ક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં મારા સુપરવાઇઝરને ફોન કરી લખનૌના ટર્મિનલમાં રહેમાન કામ કરે છે તેમ પૂછતા તેમણે ના પાડી હતી. બાદમાં મેં રહેમાનના નંબર પર ફોન કરતા મારો નંબર બ્લોક કરી દીધો હતો.




