વેમાલીમાં પાણીની લાઇન તૂટતા લાખો લીટર પાણી વેડફાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વેમાલી ગામ ખાતે આજે પાણીની લાઇનમાં ફરી ભંગાણ થતા લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે.
વેમાલી ગામના સ્મશાન તરફના રસ્તા પરની પાણીની લાઇન તૂટતા બાજુના ખુલ્લા મેદાનમાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સામાજિક કાર્યકર કમલેશ પરમારનું કહેવું છે કે વરસાદી કાંસની કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઇનને નુકસાન થયું હતું. ત્યારબાદ ડ્રેનેજ લાઇનના સમારકામ દરમિયાન બે દિવસ પહેલાં પાણીની લાઇન તૂટી ગઈ હતી. ગઈકાલે જ પાણીની લાઇનનું સમારકામ કર્યું હોવા છતાં આજે ફરી લીકેજ થતાં કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે.
એમણે કહ્યું કે મ્યુનિ.કોર્પોરેશને વર્ષ ૨૦૨૧-૨૨માં સ્માર્ટ સિટી હેઠળ રૃા.૨૦ કરોડના ખર્ચે જીઆઈએસ (જયોગ્રોફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ) અમલમાં મૂકી હતી. આ સિસ્ટમ દ્વારા પાણી પુરવઠો, ગટર, રોડ, સ્ટ્રીટ લાઇટ, સ્ટોર્મ વોટર, ગેસ અને અન્ય નાગરિક સુવિધાઓનું મોનિટરિંગ કરી પાણીના લીકેજ, ડ્રેનેજ ઉભરાવા જેવી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવાનો દાવો કરાયો હતો.
હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર પાણીની લાઇનો લીક થાય છે અને ડ્રેનેજની સમસ્યાઓ સર્જાય છે. લોકો ફરિયાદ કરે ત્યાર બાદ જ તંત્ર હરકતમાં આવે છે. જો આધુનિક મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત હોય તો આવી સમસ્યાઓનું સમયસર નિરાકરણ કેમ આવતું નથી તેવો સવાલ પણ એમણે કર્યો છે. વધુમાં ઉમેર્યું કે આ વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશનનું પાણીનું નેટવર્ક તો પહોંચાડી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી રહેવાસીઓને ઘરેલુ પાણીના કનેક્શન અપાયા નથી. પરિણામે સ્થાનિક લોકો ૯૦૦થી ૧૨૦૦ ટીડીએસ ધરાવતા બોરિંગના પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.








