વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: તંત્રની પોલ ખોલી: દોઢ ઇંચ વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rain: સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન જુલાઈ મહિના સુધીમાં જિલ્લામાં અંદાજે 20થી 25 ઇંચ જેટલો વરસાદ નોંધાતો હોય છે. જોકે, આ વર્ષે વરસાદ ખેંચાતા અત્યાર સુધી માંડ 6ઇંચ જેટલો વરસાદ જ વરસ્યો હતો. વરસાદની લાંબી રાહને કારણે ખેડૂતો સહિત નાગરિકોમાં ચિંતા વધી હતી અને મેઘરાજા મહેર કરે તે માટે વિવિધ સ્થળોએ પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન મંગળવારે સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વડોદરા શહેરમાં સાંજે છ વાગ્યાથી બે કલાક દરમિયાન 36 મીમી વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લાંબા વિરામ બાદ સારા વરસાદથી નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદના આંકડા મુજબ વડોદરા શહેરમાં 37 મીમી, વાઘોડિયામાં 9 મીમી, ડભોઇમાં 4 મીમી, પાદરામાં 12 મીમી, કરજણમાં 16 મીમી, સિનોરમાં 6 મીમી અને ડેસરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સાવલી તાલુકો કોરો કટ રહ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો કુલ 184.75 મીમી વરસાદ નોંધાયો છે.
બે કલાકના વરસાદે પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા કર્યા
માત્ર બે કલાકના વરસાદમાં જ શહેરના ચાર દરવાજા, સમા, અલકાપુરી સહિતના ઘણા વિસ્તારોમાં જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સ્થળોએ લાંબા ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. વરસાદી પાણીના ઝડપી નિકાલમાં નિષ્ફળતા જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. બીજી તરફ ટ્રાફિકજામ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન માટે પોલીસની પૂરતી હાજરી ન જોવા મળતા નાગરિકોમાં અસંતોષ ફેલાયો હતો. વરસાદી પરિસ્થિતિમાં તંત્રની પૂર્વ તૈયારી અને આયોજન અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.




