Baroda

મેઘરાજાએ સુરત ધમરોળ્યું: શહેરમાં 6.93 ઈંચ, કામરેજમાં સાડા 8 ઈંચ વરસાદ; નવસારી-ડાંગમાં પણ અનરાધાર

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 7 જુલાઈ, 2026ના રોજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. તાપીના વાલોડમાં 2.76 ઇંચ, સુરતના કામરેજમાં 2.56 ઇંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી સુરતમાં રસ્તાઓ જળમગ્ન બન્યા, જનજીવન અસ્તવ્યસ્ત થયું. સલામતીના ભાગરૂપે સુરત-નવસારીની શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેઘરાજાએ સુરત ધમરોળ્યું: શહેરમાં 6.93 ઈંચ, કામરેજમાં સાડા 8 ઈંચ વરસાદ; નવસારી-ડાંગમાં પણ અનરાધાર

Gujarat Rain Update: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે (સાતમી જુલાઈ) દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ આકાશી આફત વરસી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, આજે સવારે 06:00 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓ ધોધમાર વરસાદથી ધમરોળાયા છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં નોંધાયો છે, જ્યાં માત્ર 8 કલાકમાં 8.31 ઇંચ વરસાદ ખાબકતાં ચારેય તરફ પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત સુરત સિટીમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 6.93 ઇંચ અને પલસાણામાં 5.94 ઇંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના ટોપ-5 તાલુકાના વરસાદી આંકડા:

સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ કામરેજ 8.31 ઇંચ, સુરત સિટી 6.93 ઇંચ, પલસાણા 5.94 ઇંચ, નવસારી 5.71 ઇંચ, ડાંગના સુબિરમાં 5.31 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના જલાલપોરમાં 5.16 ઇંચ), બારડોલીમાં 5.08 ઇંચ તેમજ મહુવા અને તાપીના વાલોડમાં 3.94 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા છે. વલસાડના કપરાડામાં પણ 3.78 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આઠ કલાકનો વરસાદ.png
સુરતમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન

સુરત શહેરમાં સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રેલવે સ્ટેશન ગરનાળા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર વાહનોના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા.

સુરતમાં પુર.gif

બીજી તરફ, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. આ વિકટ પરિસ્થિતિમાં ટ્રાફિક જામ હળવો કરવા માટે પાંડેસરા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સંકટમોચન બનીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે દક્ષેશ્વર ચાર રસ્તાથી લઈને બ્રિજ સુધીના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વચ્ચે પણ પ્રશંસનીય કામગીરી કરી ટ્રાફિક નિયમન હાથ ધર્યું હતું.

સલામતીના પગલે સુરત-નવસારીની શાળા-કોલેજોમાં રજા જાહેર

ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.સુરત મહાનગરપાલિકા અને જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારની શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ રજા રાખવા અંગેનો નિર્ણય આચાર્યશ્રીઓએ લેવાનો રહેશે. જ્યારે નવસારીની તમામ શાળા તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરી દેવામાં આવી છે. 

Surat Rain.gif
હવામાન વિભાગનું રેડ અને ઓરેન્જ ઍલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાતમી જુલાઈએ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચ, અમરેલીમાં ઓરેન્જ ઍલર્ટ. આઠમી જુલાઈ (આવતીકાલે)એ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ ઍલર્ટ છે.