એમબીબીએસના વિદ્યાર્થીઓને બાર મહિનાનો કોર્સ સાત મહિનામાં ભણાવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાનું પેપર લીક થયા બાદ આ પરીક્ષા ફરી લેવામાં આવી હતી.જેનું પરિણામ જાહેર થયા પછી પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ હતી.જોકે આ તમામ પ્રક્રિયા તાજેતરમાં જ પૂરી થઈ હતી અને તેના કારણે એમબીબીએસના વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં માત્ર સાત મહિના જ અભ્યાસનો સમય મળશે.
સયાજી હોસ્પિટલ સંલગ્ન બરોડા મેડિકલ કોલેજમાં પહેલા વર્ષની ૨૫૦ બેઠકો છે.બરોડા મેડિકલ કોલેજમાં ૨૧ સપ્ટેમ્બરથી એફવાયનું શિક્ષણ કાર્ય શરુ થયું છે.ધારાધોરણ પ્રમાણે ૩૦ એપ્રિલ સુધીમાં એમબીબીએસના પહેલા વર્ષની પરીક્ષા લેવાની હોય છે.આમ આ વિદ્યાર્થીઓનો એક વર્ષનો કોર્સ હવે સાત મહિનામાં પૂરો કરવાનો રહેશે.
જેના કારણે વિદ્યાર્થીઓ માટે પણ પહેલું વર્ષ મુશ્કેલ રહેશે.મેડિકલ કોલેજના સૂત્રોનું કહેવું છે કે, છેલ્લા પાંચેક વર્ષથી આ જ સ્થિતિ સર્જાઈ રહી છે અને પહેલા વર્ષમાં વિદ્યાર્થીઓને કોર્સ પૂરો કરવા માટે ઉતાવળે ભણાવવામાં આવે છે.પહેલા વર્ષમાં વિદ્યાર્થીઓએ એનેટોમી, ફિઝિઓલોજી અને બાયોલોજી એમ ત્રણ વિષય ભણવાના હોય છે પણ જે પ્રકારે તેનો અભ્યાસક્રમ ડિઝાઈન કરાયો છે તેમાં સાત મહિના પૂરતા નથી પણ અધ્યાપકો પાસે ઉતાવળે ભણાવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
નવા માહોલમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પડકારજનક
નીટ પરીક્ષાનું પેપર લીક થયા બાદ વિદ્યાર્થીઓને નવેસરથી પરીક્ષા આપવાની આવી હતી.જેમ તેમ કરીને ફરી પરીક્ષા આપ્યા બાદ નીટ પાસ કરીને મેડિકલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે હવે નવો પડકાર છે.કારણકે પહેલી વખત પરિવારથી દૂર અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે નવા માહોલમાં મેડિકલનો અભ્યાસ કરવાનું એમ પણ સરળ નથી હોતું ત્યારે પહેલા વર્ષનો કોર્સ પૂરો કરવા માટે પૂરતો સમય નહીં હોવાથી વિદ્યાર્થીઓની સ્થિતિ વધારે મુશ્કેલ બનતી હોય છે.
અગાઉ એફવાયનો સમયગાળો દોઢ વર્ષનો રહેતો હતો
અગાઉ એમબીબીએસમાં પહેલા વર્ષનો સમયગાળો દોઢ વર્ષનો હતો.નેશનલ મેડિકલ કાઉન્સિલે હવે કોર્સ અને સમય ઘટાડીને પહેલા વર્ષનો સમયગાળો એક વર્ષનો કરી નાંખ્યો છે.જોકે એક વર્ષનો કોર્સ પણ સાત મહિનામાં સારી રીતે ભણાવવો તો શક્ય જ નથી.
પહેલુ વર્ષ પાસ કરવા ચાર એટેમ્પ્ટ મળે છે
એમબીબીએસના વિદ્યાર્થીને પહેલા વર્ષમાં પાસ થવા માટે ચાર પ્રયત્નો મળતા હોય છે.જો તે ચાર પ્રયત્નોમાં તમામ વિષયો પાસ ના કરે તો તે આગળ અભ્યાસ કરી શકતો નથી.તેવામાં ઉતાવળે કોર્સ પૂરો કરવાના કારણે વિદ્યાર્થી વધારે તનાવમાં આવે છે.




