વિદેશી મહેમાનોની રાહ જોઈ નેતાઓ રવાના : સુરસાગરની ગંદકીથી વડોદરાની છબી સામે સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાના ઐતિહાસિક વારસા અને કલાસંસ્કૃતિનો પરિચય વિદેશી મહેમાનોને કરાવવાના કાર્યક્રમમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનની અવ્યવસ્થા અને સ્વચ્છતાની બેદરકારી સામે આવી છે. એકેયમ (AIKYAM 2026) કાર્યક્રમ અંતર્ગત આજે સવારે 11.30 કલાકે સુરસાગર ગેટ નંબર-4 ખાતે વિદેશી મહેમાનોને વડોદરાના સ્થાપત્ય અને કલાવારસાની ઝલક બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ડેલિગેશનના આગમનમાં વિલંબ થતાં સમયસર પહોંચી ગયેલા વિધાનસભાના મુખ્ય દંડક અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના હોદ્દેદારો સ્થળ પરથી રવાના થઈ ગયા હતા. આ ઘટનાને પગલે વિવાદ સર્જાયો હતો.
એક તરફ આંતરરાષ્ટ્રીય મહેમાનો સમક્ષ વડોદરાની કલા અને સાંસ્કૃતિક વિરાસત રજૂ કરવાની તૈયારી હતી, તો બીજી તરફ સુરસાગર તળાવની આસપાસની ગંદકી અને તળાવમાં જોવા મળેલી મૃત માછલીઓએ સ્વચ્છતાની વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. તળાવમાંથી દુર્ગંધ આવતી હોવાની સાથે કિનારા પર પણ ગંદકી જોવા મળી હતી. વિદેશી મહેમાનોની મુલાકાતને ધ્યાનમાં રાખીને સ્થળની સ્વચ્છતા જાળવવામાં આવી નહોતી તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના ઐતિહાસિક સ્થળને આંતરરાષ્ટ્રીય મહેમાનો સમક્ષ રજૂ કરવાની ઘડીએ જ આવી સ્થિતિ જોવા મળતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા અને ચાંપાનેરના ઐતિહાસિક વારસા, કલા અને સાંસ્કૃતિક પરંપરાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવા ‘સોપાન’ દ્વારા AIKYAM 2026ના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. ‘રસા એન્ડ રિયલિઝમ’ વિષયવસ્તુ સાથે 9થી 11 ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં કલાકારો, ઇતિહાસકારો, સ્થાપત્ય નિષ્ણાતો, રાજદ્વારીઓ અને કલા સંરક્ષકો ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમમાં આશરે 25 દેશોના રાજદૂતો સહિતના વિદેશી મહેમાનોની ઉપસ્થિતિનું આયોજન છે.
વિદેશી મહેમાનોને વડોદરાની સમૃદ્ધ વિરાસત બતાવવાના પ્રયાસો વચ્ચે સુરસાગરની વાસ્તવિક સ્થિતિએ એક સવાલ ઊભો કર્યો છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરવાની જવાબદારી નિભાવતા પહેલાં સ્થાનિક ઐતિહાસિક સ્થળોની સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવા મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલું સજ્જ છે?




