જ્યાં વિદ્યાર્થીઓએ પ્લાન્ટેશન કર્યું હતું ત્યાં જ પેવર બ્લોક નાખવાનું શરુ કરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીમાં પાર્કિંગ સ્પેસ ઉભી કરવા માટે સાયન્સ ફેકલ્ટીની સામે આવેલા ગાર્ડનની ચારે તરફ પેવર બ્લોક નાંખવાનું શરુ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.કારણકે આ જ જગ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. સિમેન્ટ કોંક્રિટ અને પેવર બ્લોકના કારણે આ વૃક્ષો પર ખતરો સર્જાયો છે.
એક અધ્યાપકે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, યુનિવર્સિટી પાસે એક્સપરિમેન્ટ સ્કૂલની સામે જ પાર્કિંગની જગ્યા છે.આમ છતા હવે નવું પાર્કિંગ સ્પોટ બનાવવા માટે ગાર્ડનની આસપાસનો વિસ્તાર પસંદ કરાયો છે.જયાં પહેલેથી વિદ્યાર્થીઓએ વૃક્ષો વાવેલા છે.પેવર બ્લોકના કારણે તેમનો વિકાસ રુંધાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. બાગની ફરતે વૃક્ષો હોવા જોઈએ, નહીં કે પાર્કિંગ.
તેમણે કહ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની જેમ યુનિવર્સિટીમાં પણ હવે બ્યુટિફિકેશનના નામે સિમેન્ટ કોંક્રિટ અને પેવર બ્લોકનો સહારો લેવામાં આવી રહ્યો છે અને તે દુખદ છે.યુનિવર્સિટીનું કેમ્પસ પહેલેથી હરિયાળું છે અને તેના કારણે ભરપૂર જૈવ વૈવિધ્ય ધરાવે છે.જેને સત્તાધીશોની નીતિ વહેલા મોડા ખતમ કરી નાંખશે.
પેવર બ્લોક નાખ્યા છે ત્યાં જ વૃક્ષ ધરાશાયી થયું
યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝૂલોજી વિભાગના પ્રાંગણમાં બે દિવસ પહેલા જ આસોપાલવનું એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું અને સૂત્રોનું કહેવું છે કે, અહીંયા પણ આખો વિસ્તાર પેવર બ્લોકથી કવર કરી દેવામાં આવ્યો છે.શક્ય છે કે, પેવર બ્લોક નાંખ્યા બાદ પોષણના અભાવે વૃક્ષના મૂળિયા નબળા પડી ગયા હોય અને તેના કારણે આ વૃક્ષ પડી ગયું હતું.









