ભાડા વિધેયકના વિરોધમાં આવતીકાલે પણ વકીલોની હડતાળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધમાં વડોદરા વકીલ મંડળ દ્વારા શરૃ કરવામાં આવેલી હડતાળ આજે ત્રીજા દિવસે પણ યથાવત્ રહી છે.
દિવાળીપુરા કોર્ટ ખાતે આજે વકીલોએ એન્ટ્રી-એક્ઝિટ ગેટ પર ઊભા રહી વકીલ અને અરજદારોને કાયદાથી શું નુકસાન થવાનું છે તે અંગે સમજ આપી હતી. દરમિયાન કોર્ટમાં વાહન લઈ જવાના મુદ્દે વકીલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. બંને પક્ષે તું-તું, મેં-મેં થતાં મામલો ઉગ્ર બન્યો હતો. જોકે સિનિયર વકીલ-પોલીસ દ્વારા મધ્યસ્થી કરાતા મામલો થાળે પડયો હતો.
વકીલ મંડળના પ્રમુખે કહ્યું કે કાયદાનો અમલ કરતા પહેલાં જરૃરી માળખાકીય સુવિધાઓ અને વ્યવસ્થા ઊભી કરવી જરૃરી છે. મ્યુનિ. કમિશ્નર અને કલેક્ટરના તાબા હેઠળના અધિકારીઓ પાસે પહેલેથી જ કામગીરીનો ભાર છે ત્યારે ભાડાના વિવાદોની વધારાની જવાબદારીથી વ્યવસ્થા ઉપર અસર થશે. આ કામગીરી વહીવટી તંત્ર પાસે જશે તો ભ્રષ્ટાચાર વધવાની શક્યતા છે.
વકીલ મંડળ દ્વારા વિધેયક પરત ખેંચવાની માગ કરાઈ છે. આગામી ૫ ઓક્ટોબર સોમવારે પણ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી આ બિલની હોળી કરી વિરોધ પ્રદર્શિત કરશે.




