વડોદરાના વોર્ડ નં.12માં ભૂવા પડવાની ઘટનાનો સિલસિલો યથાવત : ખોડીયારનગરમાં 4 ફૂટનો ભૂવો પડતા અકસ્માતનો ભય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં રસ્તાઓ અચાનક ધસી જવાની અને ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે વધુ એક ઘટના ખિસકોલી સર્કલ પાસે આવેલા ખોડીયારનગરમાં બની હતી, જ્યાં ગટર લાઇનના કારણે જમીનનું ધોવાણ થતાં ગટરના ઢાંકણા પાસે અંદાજે ચાર ફૂટ પહોળો અને ચાર ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતો ભૂવો પડ્યો છે.
ભૂવો રહેણાંક વિસ્તારમાં પડતાં સ્થાનિક રહિશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે કોઈ વ્યક્તિ કે વાહન તેમાં ખાબક્યું ન હોવાથી દુર્ઘટના ટળી છે. જોકે, વિસ્તારમાં બાળકો અને વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી અકસ્માતની શક્યતા યથાવત હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
કોંગ્રેસના કાર્યકરે મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ ભૂવાનું વહેલી તકે સમારકામ હાથ ધરવા માગ કરી છે. સાથે જ માત્ર ઉપરછલ્લું પુરાણ કરવાના બદલે ગટર લાઇનથી થતા જમીનના ધોવાણનું મૂળ કારણ દૂર કરીને કાયમી સમારકામ કરવામાં આવે તેવી પણ માગ ઉઠાવી છે.
વોર્ડ નંબર 12માં અગાઉ પણ ભૂવા પૂર્યા બાદ થોડા સમયની અંદર ફરી જમીન ધસી જવાના અનેક બનાવો બન્યા છે. જેના કારણે કોર્પોરેશનની સમારકામની કામગીરીની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.









