ડર,પરિવારની મનાઈ જેવા કારણોથી જેન ઝી રાજકારણથી દૂર રહેવા માગે છેે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓ એટલે કે જેન ઝી પરિવારની મનાઈ, રાજકારણ એટલે ભ્રષ્ટાચારનો અખાડો છે તેવી છાપ, જાગૃતિનો અભાવ, ડર અને અભ્યાસ જેવા કારણોસર રાજકારણથી દૂર રહેવા માગે છે તેવું યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના માસ્ટર ઓફ સોશ્યલ વર્કના વિદ્યાર્થીના અભ્યાસમાં સામે આવ્યું છે.
વિદ્યાર્થી અર્પણ તાલાએ અધ્યાપક પ્રો.પૂજા કંટારિયાના માર્ગદર્શન યુનિવર્સિટીની ૧૪ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરતા ૩૫૦ વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.જેમાં ૬૧ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, કેમ્પસની બહાર કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ ક્યારેય કરી નથી.માત્ર સાત ટકા વિદ્યાર્થીઓએ કોઈ રાજકીય પાર્ટીના સભ્ય હોવાનું સ્વીકાર્યું હતું.જોકે ૫૫ ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે, રાજકારણ દેશ માટે મહત્વનું પણ છે અને રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાવાથી નેતૃત્વની ક્ષમતા પણ વિકસીત થાય છે.આમ છતા ૨૬ ટકાએ ભવિષ્યમાં ક્યારે પણ રાજકારણમાં પગ મૂકવાની ના પાડી હતી તો ૩૯ ટકાએ આ બાબતે કશું કહેવા માટે અનિશ્ચિતતા દર્શાવી હતી.જ્યારે ૩૫ ટકાએ જરુર પડે તો રાજકારણમાં જોડાવાની તૈયારી દાખવી હતી.
રાજકારણ અંગે જાણકારી
--૮૩ ટકાને ખબર છે કે, ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી
--ભારત દેશના વડા રાષ્ટ્રપતિ છે તેવું ૪૦ ટકાને ખબર નહોતી તો ભારત સરકારના વડા પીએમ હોય છે તેવું ૨૨ ટકાને ખબર નહોતી અને ૩૨ ટકાએ ખોટો જવાબ આપ્યો હતો
--૩૨ ટકા વિદ્યાર્થીઓ સોશ્યલ મીડિયાથી અને ૪૫ ટકા પ્રસાર માધ્યમો થકી રાજકારણની જાણકારી પ્રાપ્ત કરે છે
--૪૮ ટકાને ખબર નથી કે સ્થાનિક સાંસદ કોણ છે, માત્ર ૪૧ ટકાને સંસદના માળખાની પૂરેપૂરી ખબર હતી
--૩૦ ટકાએ કબૂલ્યું હતું કે, અમને રાજકારણની સાવ ઓછી જાણકારી છે
રાજકારણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ
--૪૧ ટકા વિદ્યાર્થીઓએ રાજકીય પ્રવૃત્તિથી અભ્યાસ પર અસર નહીં પડતી હોવાનું કહ્યું હતું
--૫૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયન હોવું જોઈએ તે વાત સાથે સંમતિ દર્શાવી હતી
--૬૦ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, રાજકારણમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે.૩૮ ટકાએ સ્વીકાર્યું હતું કે, રાજકારણ અંગે ચર્ચા કરવાથી આત્મ વિશ્વાસ વધે છે
--વર્તમાન રાજકીય પ્રવાહોથી વાકેફ છો તેવા સવાલનો ૪૨ ટકા વિદ્યાર્થીઓએ હામાં જવાબ આપ્યો હતો.૩૩ ટકાએ ના પાડી હતી
રાજકારણમાં ભાગીદારી
--૩૯ ટકાએ મતાધિકારનો પ્રયોગ કર્યો છે તો ૨૮ ટકા મત આપવાનો અધિકાર ધરાવતા હોવા છતા મતદાન કર્યું નહોતું
--માત્ર આઠ ટકા વિદ્યાર્થીઓએ કોઈને કોઈ પ્રકારની રાજકીય રેલીમાં ગયા હોવાનું કહ્યું હતું
-- ૫૫ ટકા વિદ્યાર્થીઓએ કોઈનો કોઈ સરકારી કાર્યક્રમમાં ભાગ લીધો હોવાનું જણાવ્યું હતું
યુનિ.માં ચૂંટણીથી રાજકારણ પ્રત્યે રુચિ વધતી હતી
આ અભ્યાસ કરનાર સંશોધકોનું કહેવું છે કે, રાજકારણ આપણા સમાજ જીવનનો એક મહત્વનો હિસ્સો છે.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીના કારણે રાજકારણ પ્રત્યે વિદ્યાર્થીઓને રુચ રહેતી હતી.નવા કોમન એકટમાં સરકારે ચૂંટણીઓ કાઢી નાંખી છે.




