સ્માર્ટસિટી વડોદરાના રસ્તાઓ પર ૩ હજારથી વધુ ખાડા હોવાનો સ્વીકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કથળી જતાં મ્યુનિ. કોર્પોરેશને સ્વીકાર્યું છે કે શહેરમાં ૩ હજારથી વધુ ખાડા પડયા છે. જોકે તંત્રનો બચાવ કરતાં એમ પણ જણાવ્યું કે મોટાભાગના ખાડા ૧૦થી ૧૫ વર્ષ જૂના રસ્તાઓ પર પડયા છે અને તે રસ્તાઓનો ખામી જવાબદારી સમયગાળો (ડીએલપી) પૂરો થઈ ગયો છે.
મ્યુનિ.કોર્પોરેશને હવે ખાડાને મશીનથી રસ્તો ચોરસ કાપી સમારકામ કરવાની (એફટીઆર) પદ્ધતિથી પૂરવાનો નિર્ણય લીધો છે. આ કામગીરી માટે મ્યુનિ.કોર્પોેરેશન પાસે હાલ ૩૦૦ મેટ્રિક ટન સામગ્રી ઉપલબ્ધ છે, જ્યારે આગામી ૧૦ દિવસમાં અંદાજે ૨ હજાર મેટ્રિક ટન સામગ્રીની જરૃર પડશે. તે માટે જરૃરી વ્યવસ્થા કરાશે. ખાડા પૂરવાની કામગીરી વાર્ષિક કોન્ટ્રાક્ટ (એઆરસી) હેઠળ કરાશે.
આજે મ્યુનિ. કમિશ્નરે અધિકારી-કર્મચારીઓને સ્થળ પર હાજર રહી કામગીરીની દેખરેખ રાખવા સૂચના આપી છે, જેથી રસ્તાની ગુણવત્તા જળવાઈ રહે. જોકે મોટાભાગના કિસ્સામાં અધિકારીઓ સ્થળ પર હાજર નહીં રહેતા હોવાની નાગરિકો ફરિયાદો પણ કરી રહ્યાં છે.
બીજી તરફ, તંત્ર જૂના રસ્તાઓને ખાડા માટે જવાબદાર ગણાવી રહ્યું છે ત્યારે નવા બનેલા રસ્તાઓની ગુણવત્તા પણ સવાલોના ઘેરામાં આવી છે. વોર્ડ નં. ૧૨ના અટલાદરા વિસ્તારમાં સમન્વય સ્ટેટસથી મોડોઝ સ્કાયલાઇન સુધી એક વર્ષ પહેલાં રૃ. ૫.૯૨ કરોડના ખર્ચે ઈજારદાર પી.ડી. કન્સ્ટ્રક્શન દ્વારા નવો રસ્તો બનાવાયો છે. હાલ આ રસ્તા પર પણ ભુવા અને ખાડા પડયા છે.
શહેરના દાંડિયાબજારમાં બ્રાહ્મણ સભા હોલ પાસેના મુખ્ય માર્ગ પર તાજેતરના વરસાદ પછી પડેલા ખાડાઓ પૂરવામાં આવ્યા છે, પરંતુ એ પછી થયેલા વરસાદમાં ખાડા પૂરવાની બધી મહેનત સાવ ધોવાઈ ગઈ છે, પરિણામે હાલમાં ત્યાંથી સુરક્ષિતપણે કેવી રીતે પસાર થવું એ નાગરિકો માટે પ્રશ્ન થઈ પડયો છે.









