વડોદરામાં રસ્તાના કામોમાં 18.75% વધારાના ભાવથી કોન્ટ્રાક્ટરોને કામ પધરાવવાની પેરવી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક આગામી 27 ઓગસ્ટ, ગુરુવારે ખંડેરાવ માર્કેટ સ્થિત મનપાની વડી કચેરીના સમિતિ ખંડમાં યોજાવાની છે. બેઠકમાં વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે. જોકે, છાણી, સમા અને સંગમ ચાર રસ્તા વિસ્તારના રસ્તાના કામોમાં અંદાજિત રકમ કરતાં 18.75 ટકા વધુના ભાવ મંજૂર કરીને કામ કોન્ટ્રાક્ટરોને સોંપવાની પેરવીને લઈને વિવાદ સર્જાયો છે.
છાણી જુના જકાતનાકા સર્કલથી મહેસાણા નગર ચાર રસ્તા થઈ ફતેગંજ બ્રિજ સુધીના રસ્તાને જરૂરિયાત મુજબ મિલિંગ કરી રી-સરફેસિંગ કરવાના કામ માટે મનપાએ રૂ.9,41,47,000નો અંદાજ મંજૂર કર્યો છે. પ્રથમ પ્રયત્ને બે ઇજારદારોના ભાવપત્ર ક્વોલિફાય થયા હતા. જેમાં શિવમ કન્સ્ટ્રક્શન દ્વારા અંદાજિત રકમ કરતાં 20.78 ટકા વધુ એટલે કે રૂ.9,02,46,210નો ભાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભાવ ઘટાડવા જણાવાયા બાદ ઇજારદારે અંદાજિત રકમ કરતાં 18.75 ટકા વધુ એટલે કે રૂ.8,87,29,405નો ભાવ રજૂ કર્યો છે. આ રકમમાં જીએસટી અલગથી રહેશે. કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા ચોમાસાની ઋતુ સિવાય 180 દિવસની છે.
તે જ રીતે સમા જલારામ મંદિરથી ચાણક્યપુરી ચાર રસ્તા થઈ નિઝામપુરા સૈનિક છાત્રાલય સુધીના રસ્તાના મિલિંગ અને રી-સરફેસિંગ માટે રૂ.8,20,20,000નો અંદાજ મંજૂર થયો છે. આ કામમાં શિવાલય ઇન્ફ્રા પ્રો.પ્રા.લિ. દ્વારા શરૂઆતમાં અંદાજ કરતાં 21.20 ટકા વધુ એટલે કે રૂ.7,88,95,009નો ભાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભાવ ઘટાડાની સૂચના બાદ 18.75 ટકા વધુ એટલે કે રૂ.7,73,00,184નો ભાવ રજૂ કરાયો છે. આ કામ માટે ચોમાસાની ઋતુ સિવાય 210 દિવસની સમયમર્યાદા રાખવામાં આવી છે.
સંગમ ચાર રસ્તાથી મંગલેશ્વર ઝાંપા સુધીના રસ્તાના મિલિંગ અને રી-સરફેસિંગ માટે રૂ.6,26,86,996નો અંદાજ મંજૂર થયો છે. પી.ડી. કન્સ્ટ્રક્શન દ્વારા શરૂઆતમાં અંદાજિત રકમ કરતાં 22.30 ટકા વધુ એટલે કે રૂ.7,66,66,196નો ભાવ રજૂ કરાયો હતો. ત્યારબાદ ભાવ ઘટાડા સાથે અંદાજિત રકમ કરતાં 18.75 ટકા વધુ એટલે કે રૂ.7,44,40,808નો ભાવ રજૂ કરવામાં આવ્યો છે. આ કામ 250 દિવસમાં, ચોમાસાની ઋતુ સિવાય, પૂર્ણ કરવાનું રહેશે.
ત્રણેય કામમાં ત્રણ જ ઇજારદારની એન્ટ્રી
ત્રણેય કામમાં પ્રથમ પ્રયત્ને બે ઇજારદારોના ભાવપત્ર ક્વોલિફાય થયા હોવાનું જણાવાયું છે. જોકે, ત્રણેય કામમાં માત્ર પી.ડી. કન્સ્ટ્રક્શન, શિવમ કન્સ્ટ્રક્શન અને શિવાલય ઇન્ફ્રા પ્રો.પ્રા.લિ.એ રસ દાખવ્યો છે. ખાસ વાત એ છે કે ત્રણેય કામમાં કોન્ટ્રાક્ટરોના ભાવ અંદાજિત રકમ કરતાં સરખા 18.75 ટકાના વધારા સાથે રજૂ થયા છે.
આથી ટેન્ડરમાં વાસ્તવિક હરીફાઈ થઈ કે કેમ અને ત્રણેય કામમાં સરખા વધારા સાથે ભાવ રજૂ થવા પાછળ કોઈ ગોઠવણ છે. કે કેમ તે અંગે સવાલો ઊઠી રહ્યા છે. હરીફાઈના અભાવે કોન્ટ્રાક્ટરોને અંદાજ કરતાં ઊંચા ભાવે કામ સોંપવાની સ્થિતિ ઊભી થઈ હોવાની ચર્ચા મનપાના વર્તુળોમાં થઈ રહી છે.
કરોડો ખર્ચે રસ્તા, ફરી ખોદકામની નોબત ન આવે તેવી માગ
તાજેતરમાં વિવિધ સ્થળોએ રસ્તાઓ ખોદવામાં આવ્યા બાદ હવે કરોડો રૂપિયાના ખર્ચે ફરી રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. નાગરિકોમાં સવાલ છે કે રસ્તા બનાવ્યા બાદ થોડા જ સમયમાં ભૂગર્ભ લાઈનો, પાણી-ડ્રેનેજ કે અન્ય માળખાકીય સુવિધા માટે ફરી રસ્તા તોડવાની નોબત કેમ આવે છે?
નાગરિકોની માગ છે કે રસ્તાનું રી-સરફેસિંગ કરતા પહેલાં જરૂરી ભૂગર્ભ માળખાકીય સુવિધાઓનું કામ પૂર્ણ કરવામાં આવે. જૂની લાઈનોની મરામત અથવા નવી લાઈનો નાખવાની કામગીરી અગાઉથી પૂર્ણ કર્યા બાદ જ રસ્તા બનાવવામાં આવે તો થોડા સમય બાદ કરોડો રૂપિયાના નવા રસ્તાઓ તોડવાની સ્થિતિ ઊભી ન થાય.




