કોરોના બાદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં કોરોના બાદ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે.મહાવિદ્યાલયમાં મુખ્યત્વે ત્રણ કોર્સ ચલાવાય છે.જેમાં બીએ ઈન શાસ્ત્રીના ડિગ્રી કોર્સ, એમએ ઈન આચાર્યના માસ્ટર કોર્સ અને ડિપ્લોમા ઈન વિશારદનો સમાવેશ થાય છે.
૨૦૨૨માં આ ત્રણે કોર્સમાં કુલ મળીને ૪૩ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો અને ૨૦૨૬માં આ આંકડો ૧૦૦ પર પહોંચ્યો છે.જેમાં પણ બીએ ઈન શાસ્ત્રી કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૭૮ થાય છે.
જાણકારોનું માનવું છે કે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સંસ્કૃતમાં ડિગ્રી મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત મહાવિદ્યાલય સૌથી આદર્શ વિકલ્પ છે.ઉપરાંત આ કોર્સમાં વાસ્તુ અને જ્યોતિષનો પણ સમાવેશ થયેલો છે.જે પણ પ્રવેશ લેવા માટેનું મુખ્ય આકર્ષણ છે.કારણકે જ્યોતિષ અને વાસ્તુ શીખવા માગતા લોકોની સંખ્યા પણ વધી છે.મહાવિદ્યાલય દ્વારા આ વિષયોના સર્ટિફિકેટ કોર્સ પણ ચલાવવામાં આવે છે.
ફેકલ્ટીના ઓએસડી( પ્રિન્સિપાલ) પ્રો.હિતેશ રાવિયાનું કહેવું છે કે, યુવાઓમાં હવે સંસ્કૃત, વેદ, જ્યોતિષ અને ધર્મશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, સાહિત્ય જેવા વિષયોમાં રસ જાગ્યો છે.ઉપરાંત મહાવિદ્યાલયમાં છેલ્લા બે વર્ષમાં શિક્ષણને ધ્યાનમાં રાખીને ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.જેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસનો માહોલ પણ બદલાયો છે.
છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
૨૦૨૨-૨૩ ૪૩
૨૦૨૩-૨૪ ૬૭
૨૦૨૪-૨૫ ૭૫
૨૦૨૫-૨૬ ૧૧૫
૨૦૨૬-૨૭ ૧૦૦
વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ માટે રોજ યજ્ઞાનું આયોજન
સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જાણકારી આપવા માટે હવે રોજ સવારે યજ્ઞાનું આયોજન કરવામાં આવે છે અને તેના માટે યુનિવર્સિટી દ્વારા દર મહિને ૧૧૦૦૦ રુપિયાની ગ્રાંટ ફાળવવામાં આવે છે.આ ગ્રાંટ મેળવવા માટે એવી દલીલ કરવામાં આવી હતી કે, જો સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરાવવા માટે યુનિવર્સિટી સુવિધા પૂરી પાડતી હોય તો સંસ્કૃત મહાવિદ્યાલયમાં પણ રોજ યજ્ઞા થવો જોઈએ.જેથી વિદ્યાર્થીઓને કર્મ કાંડ અને અન્ય ધાર્મિક વિધિ તથા પરંપરાઓની જાણકારી પ્રેક્ટિકલ કરીને આપી શકાય.




