Baroda

વડોદરામાં ભારે વરસાદને કારણે સતત ત્રીજા દિવસે પણ જીવન અસ્તવ્યસ્ત : ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો

By GS Team
1 Aug 20263 mins read
TukuTouch Logo
વડોદરામાં શુક્રવારના ભારે વરસાદની અસર બીજા દિવસે પણ યથાવત રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. વાઘોડિયા પંથકમાં ધોધમાર વરસાદથી ઢાઢર નદી બે કાંઠે વહે છે. કરજણ અને દેવ ડેમના 7 અને 5 દરવાજા ખોલાયા છે. વડોદરા-ડભોઇ સહિત 4 માર્ગ બંધ કરાયા છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ભારે વરસાદને કારણે સતત ત્રીજા દિવસે પણ જીવન અસ્તવ્યસ્ત : ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો

Vadodara Rain Update : વડોદરા શહેરમાં શુક્રવારે સવારે અને સાંજે પડેલા ધોધમાર વરસાદની અસર બીજા દિવસે પણ યથાવત રહી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજુ સુધી સંપૂર્ણપણે ઓસર્યા નથી. પરિણામે સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક આંતરિક રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે.
પાણી ભરાવાની સમસ્યા વચ્ચે અનેક વિસ્તારોમાં કાદવ અને કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વરસાદી પાણી ઉતર્યા બાદ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ગંદકી ફેલાઈ છે. ગંદકીના કારણે મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની ભીતિ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોમાં તાત્કાલિક સફાઈ કામગીરી અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની માંગ ઉઠી છે. આજે શનિવારે શહેરમાં દિવસભર છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.
બીજી તરફ વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્રમાં દોડધામ મચી છે.
ખાસ કરીને વાઘોડિયા પંથકમાં ધોધમાર વરસાદના કારણે અનેક ગામો અને માર્ગો પર પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ઢાઢર નદીમાં સતત પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ નદીના કિનારા તરફ ન જવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે.
સતત વરસાદના પગલે કરજણ અને દેવ ડેમમાં પણ પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને કરજણ ડેમના 7 દરવાજા તથા દેવ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગે આજે વડોદરા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આણંદ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત કચ્છ, પાટણ, બનાસકાંઠા, અમરેલી, ભરૂચ અને મોરબી સહિતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પાણી ભરાવાથી જિલ્લાના 4 માર્ગ બંધ : પ્રવાસીઓને સાવચેતીની અપીલ
ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લામાં અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર અસર પડી છે. વડોદરાથી ડભોઇ જતા માર્ગ પર રાજલી નજીક પાણી ભરાતા વાહનવ્યવહાર તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં પ્રવાસીઓને વૈકલ્પિક માર્ગ અપનાવવા અને જરૂરી સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે. તંત્રના પ્રાથમિક અંદાજ મુજબ આગામી ત્રણથી ચાર કલાકમાં પાણી ઓસરતાં માર્ગો ફરી શરૂ થઈ શકે છે.
હાલ પાણી ભરાવાના કારણે બંધ કરાયેલા માર્ગો
કુરાલ – શાનપુર – સોખડા
વાઘોડિયા – ગોરજ – રુસ્તમપુરા
રાજલી – મંડાવા
વડોદરા – ડભોઇ
આજે ડભોઇ અને શિનોરમાં સૌથી વધુ વરસાદ, સિઝનમાં શિનોર ટોચ પર
વડોદરા જિલ્લામાં આજે વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જેમાં ડભોઇ અને શિનોર તાલુકામાં સૌથી વધુ 37 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે કરજણમાં 17 મીમી, પાદરામાં 9 મીમી, ડેસરમાં 7 મીમી, સાવલીમાં 5 મીમી, વડોદરા તાલુકામાં 4 મીમી અને વાઘોડિયામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. વર્તમાન ચોમાસાની સિઝનમાં સૌથી વધુ વરસાદ શિનોર તાલુકામાં 667 મીમી નોંધાતા જિલ્લાનો સૌથી વધુ વરસાદ ધરાવતો તાલુકો બન્યો છે.