Baroda

14નાં મોત બાદ હરણી તળાવ ભેંકાર બન્યું: જંગલી વેલા અને ભંગાર રાઇડ્સ!

By GS Team
27 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના હરણી મોટનાથ તળાવ પાસે આવેલો લેકઝોન, જે એક સમયે લોકોથી ધમધમતો હતો, તે જાન્યુઆરી 2024માં થયેલી ગોઝારી દુર્ઘટના બાદ ભેંકાર બન્યો છે. ન્યૂ સનરાઇઝ શાળાના 14 બાળકો અને શિક્ષિકાઓના મૃત્યુ બાદ લેકઝોન બંધ કરાયો છે. દોઢ વર્ષમાં તળાવમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે અને રાઇડ્સ ભંગારમાં ફેરવાઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

14નાં મોત બાદ હરણી તળાવ ભેંકાર બન્યું: જંગલી વેલા અને ભંગાર રાઇડ્સ!

Vadodara: વડોદરા શહેરનું હરણી મોટનાથ તળાવ એક સમયે લોકોની અવરજવરથી ધમધમતું હતું. બાળકોની કિલકારીઓ, પરિવારજનોની ભીડ અને વિવિધ રાઇડ્સના આકર્ષણથી સતત વ્યસ્ત રહેતું આ સ્થળ આજે ભેંકાર બની ગયું છે. જાન્યુઆરી 2024માં લેકઝોન ખાતે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં ન્યૂ સનરાઇઝ શાળાનાં બાળકો અને શિક્ષિકાઓ સહિત કુલ 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ દુર્ઘટના બાદ લેકઝોન બંધ કરી દઈ તળાવ ખાતે મુલાકાતીઓની અવરજવર પણ રોક લગાવી છે. હવે દોઢ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં તળાવમાં જંગલી વનસ્પતિ અને વેલાઓ ઊગી નીકળ્યાં છે, જ્યારે વિવિધ રાઇડ્સ ભંગારમાં ફેરવાઈ ગઈ છે.
હરણી મોટનાથ તળાવને જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) ધોરણે વિકસાવવામાં આવ્યું હતું. લોકો માટે મનોરંજનનું આકર્ષણ બનેલા લેકઝોનમાં સર્જાયેલી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. આ ઘટનામાં 14 લોકોનાં મોત બાદ પોલીસે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના મેનેજર સહિત કુલ 18 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દુર્ઘટના બાદ લેકઝોન બંધ થઈ જતાં અહીં મુલાકાતીઓનો પ્રવેશ અટકી ગયો છે. તેની સાથે જ સ્થળની જાળવણી અને સફાઈના અભાવની અસર પણ હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. તળાવની અંદર જંગલી વેલા અને વનસ્પતિ ઊગી નીકળ્યાં છે. તળાવની આસપાસ પણ ઘાસ, છોડ અને વેલાઓનું પ્રમાણ વધી ગયું છે. એક સમયે સુવ્યવસ્થિત મનોરંજન સ્થળ તરીકે ઓળખાતું આ પરિસર હવે ઉજ્જડ અને બિનઉપયોગી બની ગયું છે.

લેકઝોનમાં આવેલી વિવિધ રાઇડ્સ પણ સમય જતાં ભંગાર જેવી હાલતમાં ફેરવાઈ ગઈ છે. જ્યાં પહેલાં બાળકો અને પરિવારોની અવરજવર રહેતી હતી ત્યાં હવે નિર્જનતા જોવા મળે છે. દુર્ઘટનાની યાદો સાથે જોડાયેલા આ સ્થળની હાલત જોઈને તેની જાળવણી અને ભવિષ્ય અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.