યુનિ.ના 250 વોશરુમ્સના સમારકામ માટે પાંચ કરોડની ગ્રાંટ મંજૂર થઈ પણ મળી નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીમાં વોશરુમ્સની બદતર હાલત વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યા છે.જેના પર આખરે સત્તાધીશોનું ધ્યાન ગયું છે.મળતી જાણકારી પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશોએ વિવિધ ફેકલ્ટીઓમાં અને વહીવટી ઓફિસોના ૨૫૦ જેટલા વોશરુમ્સના સમારકામ માટે તથા ૧૦ જેટલા વોશરુમ્સ નવા બનાવવા માટે રાજ્ય સરકાર પાસે પાંચ કરોડ રુપિયાની ગ્રાન્ટ માગી છે.
જોકે મળતી જાણકારી અનુસાર સરકારે ગ્રાન્ટ ૬ મહિના પહેલા મંજૂર તો કરી દીધી છે પણ હજી સુધી તે યુનિવર્સિટીને મળી નથી.જેના કારણે વોશરુમ્સના સમારકામની કામગીરી શરુ થઈ શકી નથી.સૂત્રોનું કહેવું છે કે, વોશરુમ્સની સ્થિતિથી વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે પણ નાખુશ છે.તેમણે તાજેતરમાં મળેલી ડીન્સ મિટિંગમાં પણ આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને આ સુવિધા વહેલી તકે મળવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ફેકલ્ટીઓમાં મોટાભાગના વોશરુમ્સની સ્થિતિ સારી નથી.આર્ટસ ફેકલ્ટીમાં તો વોશરુમ્સના અભાવે આંદોલન પણ થયું હતું અને તેના કારણે સત્તાધીશોએ રાતારોત મોબાઈલ વોશરુમ્સ મંગાવીને ફેકલ્ટીમાં ગોઠવવા પડયા હતા.ફેકલ્ટીઓના મોટાભાગના વોશરુમ્સનું મોટુ સમારકામ થયે વર્ષો થઈ ગયા છે.આ ઉપરાંત વોશરુમ્સની નિયમિત સાફ સફાઈનો અભાવ પણ મોટી સમસ્યા છે.જેનો ઉકેલ પણ સત્તાધીશો હજી લાવી શક્યા નથી.
ગ્રાંટ આવે ત્યાં સુધી બીજા ફંડમાંથી કામ થઈ શકે છે
એક મત એવો પણ છે કે, સત્તાધીશો સરકાર ગ્રાંટ આપે તેની રાહ જૂએ છે તેના કરતા યુનિવર્સિટી પાસેના બીજા કોઈ ફંડમાંથી સમારકામ શરુ કરી શકે છે. વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ ફંડમાં પણ ખાસી રકમ પડી છે.સરકાર જ્યારે ગ્રાંટ આપે ત્યારે ફંડમાં રકમ પાછી જમા કરી શકાય જ છે. વિદ્યાર્થીઓમાં વોશરુમ્સની સ્થિતિને લઈને રોષ તો છે જ. તેના સમારકામમાં વિલંબ વિદ્યાર્થીઓના આંદોલનનું પણ કારણ બની શકે છે.
યુનિ.માં ઉપયોગમાં લેવાતા પાણીમાં હાર્ડનેસ વધારે, કૂલરો વારંવાર ખરાબ થાય છે
યુનિવર્સિટીમાં પીવા માટે કોર્પોરેશનના અને અન્ય વપરાશ માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવે છે. કુલ વપરાશમાં ગ્રાઉન્ડ વોટરનું પ્રમાણ ૮૦ ટકા જેટલું છે.જોકે હવે આ પાણીમાં હાર્ડનેસ વધી ગઈ હોવાનો મુદ્દો પણ ચિંતાજનક બની રહ્યો છે.કારણકે હાર્ડનેસ વધારે હોવાથી પીવાના પાણી માટેના કૂલરોમાં વારંવાર ખરાબી આવે છે.વોશરુમ્સના પાઈપો અને નળોને પણ વધારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે ડીન્સની બેઠકમાં માત્ર કોર્પોરેશનના જ પાણીનો ઉપયોગ કરવામાં આવે તેવું પણ સૂચન કરવામાં આવ્યું હતું.




