Baroda

'બદામ ગેંગ ગોધરા'સામે ગોધરા રેલવે પોલીસે ગુજસીટોકનો ગુનો નોંઘ્યો

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
ગોધરા રેલવે પોલીસે બદામ ગેંગના 12 આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. આ ગેંગે પશ્ચિમ રેલવે અને રાજ્યમાં ધાડ, ચોરી, લૂંટ સહિતના 93 ગુના આચર્યા છે. મુખ્ય સૂત્રધાર સલીમ ઉર્ફે ચકલી સહિત 2 ઝડપાયા હતા, પરંતુ એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થયો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સલીમના 12 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'બદામ ગેંગ ગોધરા'સામે ગોધરા રેલવે પોલીસે ગુજસીટોકનો ગુનો નોંઘ્યો

ગોધરા રેલવે પોલીસે બદામ ગેંગ ગોધરાના ૧૨ આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને ઝડપી પાડયા હતા. દરમિયાન બે પૈકી એક આરોપી પોલીસને ચકમો આપી નાસી છૂટયા બાદ પોલીસે મુખ્ય સૂત્રધારના અદાલત પાસેથી ૧૨ ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

ફરિયાદ મુજબ, આ સંગઠિત ગુના ટોળકી દ્વારા પશ્વિમ રેલવે તથા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ધાડ, ચોરી, લૂંટ, સ્નેચિંગ, પશુ ક્રૂરતા, પોલીસ પર હુમલો સહિતના ૯૩ ગુનાઓ નોંધાયા છે. આ ગેંગના મુખ્ય સૂત્રધાર ઈશાક, અનસ અને સલીમે અન્ય સાગરીતો સાથે મળીને ગંભીર ગુનાઓ આચર્યા છે.

આ ગુનામાં પોલીસે ગઈકાલે મુખ્ય સુત્રધાર સલીમ ઉર્ફે ચકલી એહમદસઈદ મેંદા(૩૨) (રહે.મહોમદી મહોલ્લો,એમ.ઈ.ટી. સ્કૂલની પાછળ,ગોધરા) અને સાગરીત મોહસીન સુલેમાન મીંઢી (૨૯) (રહે. ગોયા મહોલ્લો, ગોધરા)ને પકડી પાડયા હતા. ગઈકાલે રાત્રે વડોદરા રેલવે પોલીસના લોકઅપમા બંને આરોપીને રખાયા હતા. દરમિયાન સયાજી હોસ્પિટલમાંથી મોહસીન પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે.

પોલીસે આજે સલીમ ઉર્ફે ચકલીને અત્રેની સ્પેશ્યલ ગુજસીટોકની કોર્ટમાં રજૂ કર્યો હતો. સલીમ સામે છેલ્લા ૧૦ વર્ષમાં ગુજસીટોકની જોગવાઈ મુજબના ૧૬ ગુના નોંધાયા છે. આ ગુનામાં આરોપીઓ સામે નોંધાયેલા ૯૩ ગુના પૈકી ગુજસીટોકની જોગવાઈમાં ૭૧ ગુના ધ્યાને લીધા છે. આ ઉપરાંત, ટોળકીના સાગરીતો સામે અન્ય ૨૨ ગુનાઓ નોંધાયા છે.

સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર રઘુવીર પંડયાની દલીલો હતી કે ગુનાહિત કૃત્યો કરી આરોપીઓએ બિનહિસાબી નાણાંનું રોકાણ ક્યાં કર્યું છે, મોબાઈલફોન અને સિમકાર્ડની વિગતો મેળવવા, મિલકત ટાંચમાં લેવા, આરોપીને ભગાડવા કાવતરું રચવા સહિતના કારણોસર આરોપીની હાજરી જરૃરી છે.

આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓના નામ

૧)ઈશાક બિલાલ બદામ

૨) અનસ સોયેબ હયાત

૩) સલીમ ઉર્ફે ચકલી એહમદ

૪) ખાલીદ અબ્દુલ સલામ

૫) રમજાની ઉર્ફે રમજુ બિસ્મીલ્લા ઉર્ફે નન્નુમિયા શેખ

૬) મોહસીન સુલેમાન મીંઢી

૭) રમજાની ઉર્ફે અબુલિયો રફીક મહંમદ ચુચલો

૮) મુસ્કતીમ રફીક ભટુ

૯) રમીઝ ઈશાક દુર્ગા

૧૦) ઓવેશ ઉર્ફે ચુચલો મહંમદહનીફ ભાગલિયા

૧૧) મોહસિન ઉર્ફે ક્લ્લુ બસીરખાન પઠાણ

૧૨) ફુઝેલ ઈદ્રીશ આલમ

(તમામ આરોપીઓ ગોધરાના રહેવાસી છે)