Baroda

ફેસબુક ફ્રેન્ડે UKથી મોકલેલું પાર્સલ છોડાવવાના નામે યુવતી સાથે ઠગાઇ

By GS Team
25 Nov 20262 mins read
TukuTouch Logo
વાઘોડિયાના પીપળીયા ગામે રહેતી યુવતી ગીતા બારીયા સાથે સાયબર ફ્રોડ થયો છે. UKથી મોકલેલું પાર્સલ છોડાવવાના બહાને સાયબર ગઠિયાઓએ તેની પાસેથી ₹14.59 લાખ પડાવ્યા. ફેસબુક ફ્રેન્ડ અંકિત પટેલ અને કસ્ટમ ઓફિસર સચિન ગુજ્જરે વિવિધ ચાર્જના નામે પૈસા માંગ્યા હતા. વધુ ₹16 લાખ ન હોવાથી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફેસબુક ફ્રેન્ડે UKથી મોકલેલું પાર્સલ છોડાવવાના નામે યુવતી સાથે ઠગાઇ

ફેસબુકથી બનેલ સાયબર ફ્રેન્ડ દ્વારા યુ.કે.થી મોકલેલું પાર્સલ છોડાવવા માટે પીપળીયા ગામે રહેતી યુવતીએ વિવિધ ચાર્જના નામે રૃા.૧૪.૫૯ લાખ ગુમાવ્યા હતાં. સાયબર ગઠિયાઓએ વધુ રકમ માગી પરંતુ યુવતી પાસે નહી હોવાથી આખરે બે ગઠિયા સામે ફરિયાદ નોંધાઇ છે.
પંચમહાલ જિલ્લાની મૂળ રહીશ પરંતુ હાલ વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામે પ્રાઇમ વાટીકા ખાતે રહેતી ગીતા વિક્રમ બારીયાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અંકિત પટેલ તેમજ સચિન ગુજ્જર કસ્ટમ ઓફિસર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ફેસબુકનો ઉપયોગ કરું છું. ઓગસ્ટ માસમાં અંકિત પટેલનો મેસેજ આવ્યા બાદ તે અંગ્રેજીમાં વાત કરતો હતો. મેેસેન્જર એપમાં વાત દરમિયાન મારો વોટ્સએપ નંબર લીધા બાદ તે યુકેના નંબર પરથી વાત કરતો હતો.
બે મહિના પહેલા અંકિત પટેલે જણાવેલ કે મેં યુકેમાં કારનો શો રૃમ ખોલ્યો છે, તમો મારા માટે લકી છો જેથી હું તમને એક ગિફ્ટ મોકલું છું, તે એરપોર્ટ પર અને ત્યાંથી તમારા સરનામે આવશે, તમો આધારકાર્ડનો ફોટો મને મોકલો તેમ કહેતા મેં આધારકાર્ડનો ફોટો મોકલ્યો હતો. આ વાતચીત તે હિન્દીમાં કરતો હતો. સાત દિવસ પછી સચિન ગજ્જર નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પોતે કસ્ટમ ઓફિસર છે તેવી ઓળખાણ આપી તમારુ પાર્સલ યુકેથી આવ્યું છે રૃા.૫ હજાર ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે તેમ કહી તેણે ક્યુઆર કોડ મોકલતા મેં પેમેન્ટ કર્યું હતું.
ત્યારબાદ ડિલિવરી ચાર્જ તેમજ ગિફ્ટમાં સોનું અને ડોલર છે તેની એનઓસી લેવી પડશે તેમ કહી રૃા.૧૪.૫૦ લાખ માગતા મેં તે રકમ આરટીજીએસથી મોકલી હતી. આ સમય દરમિયાન પાર્સલ માટે ટેક્સ બાકી છે રૃા.૧૬ લાખ ભરવા પડશે તેમ કહેતા મારી પાસે આ પૈસા નહી હોવાથી ભર્યા ન હતાં. બાદમાં અંકિતનો ફોન આવ્યો હતો અને હું ઇન્ડિયા આવીશ ત્યારે પૈસા આપી દઇશ તેમ કહ્યું હતું. પરંતુ તે આવ્યો ન હતો તેમજ પાર્સલ પણ મળ્યું ન હતું. મારી સાથે સાયબર ફ્રોડ થયું હોવાનું લાગતા ૧૯૩૦ પર ફરિયાદ કરી હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.