કાર વેચી નાખવાના ગુનામાં ગેરેજ સંચાલકના આગોતરા જામીન નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Court : કાર બારોબાર વેચી નાખવાના ગુનામાં સંડોવાયેલા ગેરેજ સંચાલકની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. 20 દિવસ અગાઉ, માણેજા વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના સેલ્સ મેનેજર સન્ની પટિયાલે લોનના હપ્તા ભરવા માટે કાર વેચવાનું નક્કી કર્યું હતું. ડેરી રોડ પર ઓટો ગેરેજ ધરાવતા રવીસિંગ અજુપસિંગ પંજાબી (રહે.સરદાર સોસાયટી, પ્રતાપનગર)ને કાર વેચાણ માટે આપ્યા બાદ કાર પરત માગતા ટાંટિયા તોડી નાખવાની ધમકી મામલે મકરપુરા પોલીસે રવિસિંગ પંજાબી સામે ગુનો નોંધ્યો છે.
દરમિયાન આ ગુનામાં ફરાર રવીસિંગે અત્રેની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી હતી, જેની સુનાવણી હાથ ધરાતા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ અનિલ એમ.દેસાઈએ દલીલો કરી હતી કે આરોપીએ ગાડી વેચી દીધી છે અને ફરિયાદીને રકમ પરત આપતા નથી. આરોપી પાસેથી ગાડી રીકવર કરવાની બાકી છે. તપાસ બાકી હોઈ જમીન અરજી રદ કરવી જોઈએ.
કોર્ટે નોંધ્યું કે ગુનાની તપાસ થાય તે જરૂરી છે. ગાડી રીકવર કરવાની બાકી છે. આરોપીની હાજરી વગર ગુનાની તપાસ થઈ શકે તેમ નથી. ગુનાની તપાસ નાજુક તબક્કામાં છે. આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો તપાસમાં અવરોધ થાય તેવું જણાય છે, જેથી હાલના તબક્કે આરોપીને જામીન આપવા વાજબી જણાતા નથી.




