ગરબાના પાસથી ચણિયા-ચોળી સુધી ઓનલાઈન છેતરપિંડીનો ખતરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Navratri Scam : વડોદરા સહિત ગુજરાતમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ થતાં જ ગરબા ગ્રાઉન્ડના પાસ, ચણિયા-ચોળી, જ્વેલરી, પાર્કિંગ અને કેબ બુકિંગ સહિતની ખરીદી-બુકિંગ પણ ઓનલાઇન થવા લાગી છે. જોકે, લોકોમાં વધતી આ ઓનલાઈન દોડધામ વચ્ચે સાયબર ઠગો પણ સક્રિય થઈ જતા હોવાથી ઉત્સવની મોજ વચ્ચે સાવચેતી રાખવી જરૂરી બની છે. ખાસ કરીને સસ્તા ભાવે પાસ, ભારે ડિસ્કાઉન્ટમાં કપડાં અને મફત ભેટની લાલચ આપતી લિંક્સ મારફતે લોકો સાથે છેતરપિંડી થઈ શકે છે.
સાયબર નિષ્ણાત મયુર ભુસાવળકરના જણાવ્યા મુજબ, નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ઓનલાઈન લેવડદેવડ વધતી હોવાથી સાયબર ઠગો પણ આવી તકનો લાભ લે છે. લોકો ઉતાવળમાં સસ્તા ભાવે ગરબાના પાસ કે કપડાં મેળવવા માટે અજાણી વેબસાઇટ કે સામાજિક માધ્યમના પેજ પર વિશ્વાસ કરી બેસે છે અને ત્યારબાદ નાણાં ગુમાવવાનો વારો આવી શકે છે.
સાયબર ઠગો જાણીતા ગરબા આયોજકોના નામે સામાજિક માધ્યમો પર જાહેરાતો મૂકી 50 ટકા સુધીની છૂટ અથવા ‘એક પાસ સાથે એક મફત’ જેવી લાલચ આપી શકે છે. આવી સ્થિતિમાં ગરબાની ટિકિટ માત્ર આયોજકની સત્તાવાર વેબસાઇટ અથવા અધિકૃત ટિકિટ વેચાણ કરનાર માધ્યમ પરથી જ ખરીદવી સલામત છે. નવરાત્રી દરમિયાન મહિલાઓ અને યુવતીઓ માટે ચણિયા-ચોળી તથા જ્વેલરીની ઓનલાઈન ખરીદી વધી જાય છે. સાયબર ઠગો સામાજિક માધ્યમો પર મોંઘી ડિઝાઇનર ચણિયા-ચોળી અત્યંત સસ્તા ભાવે આપવાની જાહેરાતો મૂકી શકે છે. અજાણ્યા પેજ પરથી ખરીદી કરતા પહેલાં તેની સંપર્ક વિગતો, ગ્રાહકોની પ્રતિક્રિયાઓ અને અન્ય માહિતી તપાસવી જરૂરી છે. માત્ર આકર્ષક તસવીરો જોઈને ખરીદી કરવી જોખમી બની શકે છે.
ગરબા સ્થળોની આસપાસનું પાર્કિંગ અગાઉથી બુક કરાવવાના નામે અથવા રાત્રે ઘરે પરત જવા માટે ખાસ કેબની સુવિધાના નામે વોટ્સએપ પર લિંક મોકલી છેતરપિંડી થઈ શકે છે. આવી કોઈ લિંક પર બેંકની વિગતો અથવા ગુપ્ત માહિતી આપવી નહીં. ખાસ કરીને યાદ રાખવું કે યુપીઆઈ પિન નાણાં મેળવવા માટે જરૂરી નથી. કોઈ વ્યક્તિ નાણાં મોકલવાના બહાને યુપીઆઈ પિન માગે તો સાવધાન રહેવું.
ઓનલાઈન ગરબા સ્પર્ધા, ક્વિઝ અથવા મફત સ્માર્ટવોચ અને ગિફ્ટ કાર્ડ જીતવાના નામે બાળકો અને કિશોરોને લલચાવી લિંક મોકલવામાં આવી શકે છે. આવી લિંક મારફતે વાલીઓની બેંક કે કાર્ડની વિગતો મેળવવાનો પ્રયાસ થઈ શકે છે. બાળકોને ઓનલાઈન મળતી મફત ભેટની લાલચથી દૂર રહેવા અને કોઈ પણ સંજોગોમાં ઓટીપી શેર ન કરવા સમજાવવું જરૂરી છે.




