પિતાના બેન્ક એકાઉન્ટો અને પોલિસીમાંથી પુત્રીની પૈસા ટ્રાન્સફર કરી છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પિતાના બેન્ક એકાઉન્ટોમાંથી રોકડ ટ્રાન્સફર તેમજ બે બહેનોની વીમા પોલિસીની રકમ મળી કુલ રૃા.૮.૪૧ લાખ પડાવી લેનાર ત્રીજી બહેન તેમજ તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
શહેરના સિંધવાઇમાતારોડ પર આવેલ ક્રિષ્ણા ફ્લેટમાં રહેતી પ્રીતી જુગલભાઇ પટેલે તેની મોટી બહેન રેખા માળી અને બનેવી જિગ્નેશ માળી (રહે.ધ માર્ક, પ્રથમ રિવિએરા પાછળ, બિલ ગામ) સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘરકામ કરું છું તેમજ હાલમાં હું મારા પતિ, પુત્રી અને પિતા ગોપાલ શંકરભાઇ માળી સાથે રહું છું. મારા પિતાને કેન્સરની બીમારી થઇ છે.
મારા પિતા ઓએનજીસીમાંથી વર્ષ-૨૦૧૮માં નિવૃત્ત થયા છે અને તેમનું પેન્શન સ્ટેટ બેન્કમાં જમા થાય છે. મારા પિતાએ મારા સહિત ત્રણે પુત્રીઓ માટે ફ્યૂચર જનરલ લાઇફ પોલિસી લીધી છે જેમાં ત્રણ વર્ષ સુધી તેમણે કુલ રૃા.૧૮ લાખ જમા કરાવ્યા હતાં. મારા પિતા કોટક મહિન્દ્રા બેન્કનું પણ ખાતું ધરાવે છે જેમાં કેટલીક રકમ જમા કરાવતા હતાં. મારા પિતાના બેન્ક એકાઉન્ટો તેમજ પોલિસી વિશેની માહિતી મારી મોટી બહેન રેખા તેમજ તેના પતિ રાખતા હતાં.
મારા પિતાની જાણ બહાર તેમના નામે રેખાએ ઇન્ડિયન ઓવરસિસ બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું. રેખા તેમજ તેનો પતિ મારા ઘેર આવીને પિતાના મોબાઇલમાં ગુગલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેમની જાણ બહાર એસબીઆઇ અને કોટક મહિન્દ્રા બેન્કના એકાઉન્ટોમાંથી કુલ રૃા.૨.૧૩ લાખ ઇન્ડિયન ઓવરસિઝ બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતાં એટલું જ નહી પરંતુ ત્રણે બહેનોની પોલિસીના નાણાં રૃા.૬.૨૮ લાખ પણ આ બેન્કમાં ટ્રાન્સફર કરાવ્યા હતાં.
મારા પિતાની જાણ બહાર તેમના ડોક્યૂમેન્ટનો ખોટો ઉપયોગ કરી કુલ રૃા.૮.૪૧ લાખ મારી બહેને તેમજ જીજાજીએ પડાવી લીધા છે. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




