બે વર્ષથી પુરુષ મિત્ર સાથે રહેતી શિનોર તા.પ.ના પૂર્વ મહિલા સભ્યની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શિનોર તાલુકાના છાણભોઈ ગામના નવીનગરી વિસ્તારમાં આજે સવારે શિનોર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય વિધવાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા થયેલી લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. મહિલાની સાથે છેલ્લા બે વર્ષથી રહેતા શખ્સે જ હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે તેને ઝડપી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે છાણભોઈ ગામની નવીનગરીમાં રહેતી એક મહિલાની હત્યા થઈ હોવાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મનીષા કિરણભાઈ વસાવા તેમજ તેને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક મનીષાના પતિનું દસ વર્ષ અગાઉ અવસાન થયું હતું. તેમને એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે, જ્યારે પુત્ર સોહમ તેના મામાના ઘરે રહે છે.
પતિના અવસાન બાદ મનીષા છેલ્લા બે વર્ષથી ગામના જ સતીષ નટવર વસાવા સાથે રહેતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો. પોલીસે મૃતકના પુત્ર સોહમની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યા બાદ ફરાર થઇ ગયેલા સતીષને ઝડપી પાડયો હતો.
મનીષા વસાવાએ અગાઉ આશા વર્કર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેઓ શિનોર તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
પોલીસે જણાવ્યું હતું કે પ્રેમ પ્રકરણ અથવા અન્ય કોઇ કારણસર હત્યા થઇ તે અંગે તપાસ ચાલી રહી છે. આરોપીએ પોતે પણ છૂટાછેડા લીધેલ છે. સવારે મનીષા વસાવા મંદિરેથી પરત ફર્યા ત્યાર બાદ તેની હત્યા કરી સતીષ ફરાર થઇ ગયો હતો.




