એક કાર્ગોના પાર્સલમાં ટ્રેનમાં વિદેશી બ્રાન્ડની દારૃની હેરાફેરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનમાં પાર્સલની આડમાં વિદેશી દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું છે. રેલવે પોલીસે વિદેશી બ્રાન્ડનો દારૃનો જથ્થો કબજે કરી નાઇઝિરિયન શખ્સની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રેલવે આઇજીના સ્ક્વોડના સભ્યો ભરૃચ પાસે ચેકિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનમાં એક કાર્ગોના પાર્સલમાં દારૃની હેરાફેરી થાય છે. આ બાતમીના આધારે સ્ટાફના માણસોએ ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. વિવિધ કોચમાં ચેકિંગ દરમિયાન મીયાગામ કરજણ પાસે આવતા એક કોચના ટોઇલેટ કોરિડોર પાસે ત્રણ પાર્સલો જણાયા હતાં.
પોલીસે પાર્સલો જોતા તેના પર ઇથોપિયન એરલાઇન્સનું ટેગ હતું. દરમિયાન પોલીસે ત્રણે પાર્સલો ખોલીને જોતા નાઇઝિરિયન બ્રાન્ડનો દારૃ અને બીયરનો જથ્થો જણાયો હતો. આ વિદેશી બ્રાન્ડની કિંમત નક્કી કરવા માટે પોલીસે રાજ્ય સરકારનો તા.૨૨ એપ્રિલ ૨૦૨૬નો પરિપત્ર ચેક કર્યો છતાં ઝડપાયેલા દારૃની બ્રાન્ડનો કોઇ ઉલ્લેખ ન હતો. બાદમાં પોલીસે ગુગલ પર સર્ચ કરી દારૃની કિંમત નક્કી કરી હતી.
પોલીસે કુલ રૃા.૩.૪૧ લાખ કિંમતનો વિદેશી બ્રાન્ડનો દારૃ કબજે કર્યો હતો. આ અંગે વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ટ્રેનમાં પાર્સલ કોણ મૂકી ગયું તે અંગે ટિકિટ ચેકર તેમજ એટેન્ડન્ટ સ્ટાફ પણ અજાણ હતો. પ્રથમ દ્રષ્ટિએ કોઇ નાઇઝિરિયન દ્વારા જ દારૃની હેરાફેરી થતી હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.




