Baroda

વડોદરામાં વાઘોડિયા ચોકડી નજીક વેપારી પર ફાયરિંગ, ગોળી ખભાના ભાગે વાગતા લોહીલુહાણ

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં વાઘોડિયા ચોકડી પાસે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. દિલ્હીના ગારમેન્ટ વેપારી આશિષ બાકોલિયા કારમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ઓવરટેક કરી તેમના ખભામાં ગોળી મારી ફરાર થઈ ગયા. આશિષને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વાઘોડિયા ચોકડી નજીક વેપારી પર ફાયરિંગ, ગોળી ખભાના ભાગે વાગતા લોહીલુહાણ

Vadodara News: વડોદરાના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ગઈ મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. કાર લઈને પસાર થઈ રહેલા મૂળ દિલ્હીના અને ગારમેન્ટનો વ્યવસાય કરતા યુવક પર બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોએ ઓવરટેક કરીને ફાયરિંગ કર્યું હતું. ગોળી યુવકના ખભાના ભાગે વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ઓવરટેક કરીને ખભામાં ગોળી મારી

મળતી માહિતી મુજબ, મૂળ દિલ્હીના રહેવાસી આશિષ મદનલાલ બાકોલિયા વડોદરામાં ગારમેન્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ગઈ મોડી રાત્રે તેઓ વાઘોડિયા ચોકડી નજીકથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ તેમની કારને ઓવરટેક કરીને આંતરી હતી. કંઈ પણ સમજાય તે પહેલાં હુમલાખોરોએ આશિષ પર સીધું ફાયરિંગ કરી દીધું હતું. હુમલાખોરો વેપારીના ખભાના ભાગે ગોળી મારીને બાઈક પર તરત જ ફરાર થઈ ગયા હતા.

લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

ફાયરિંગના અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ યુવકને લોહીલુહાણ હાલતમાં કારમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

આ હુમલા અંગે માહિતી આપતા ડીવાયએસપી પી. એન. પટેલે જણાવ્યું હતું કે, 'વાઘોડિયા ચોકડી નજીક યુવક કાર લઈને જતો હતો ત્યારે બે શખસોએ આવી ઓવરટેક કરી તેની ઉપર ફાયરિંગ કર્યું હતું. આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તેની તપાસ માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.' આ ઘટના અંગે હાલ પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.