ફાયરિંગનો ભેદ ખૂલ્યો ફિજીની સ્ટીલ કંપનીના માલિક દ્વારા વેપારીને મારવા સોપારી અપાઇ હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વાઘોડિયારોડ પર ગયા સપ્તાહમાં કાપડના વેપારી પર યુપી બિહાર સ્ટાઇલથી થયેલા ફાયરિંગની ઘટનાનો ભેદ ઉકેલી જિલ્લા પોલીસે છત્તીસગઢથી બે શખ્સોને ઝડપી પાડયા છે. વેપારી અગાઉ ફિજીમાં નોકરી કરતા હતા ત્યારે તે કંપનીના માલિકે સોપારી આપી હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ વેપારી આશિષ મદનલાલ બાકોલીયા ગયા શુક્રવારે રાત્રે દુકાન બંધ કરીને પોતાની કારમાં ઘેર જતા હતા ત્યારે વાઘોડિયા ચોકડી પાસે બાઇક પર આવેલા બે શખ્સો પૈકી પાછળની સીટ પર બેઠેલ શખ્સે ફાયરિંગ કરતા ગોળી કારનો કાચ તોડી વેપારીના ખભામાં ઘૂસી ગઇ હતી. આ ઘટના બાદ બંને શખ્સો ફરાર થઇ ગયા હતાં. આ અંગે વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ એલસીબી, એસઓજી અને વરણામા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની વિવિધ ટીમો દ્વારા શહેરના વિવિધ સ્થળોના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં તા.૨૫ના રોજ એક મેડિકલ સ્ટોરના સીસીટીવી કેમેરામાં બે પૈકી એકનો ફોટો સ્પષ્ટ મળ્યો હતો. જ્યારે રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરતા તેમાં બંને શખ્સોની ઓળખ થઇ શકી હતી. દરમિયાન ટેકનિકલ રીતે તપાસ કરતાં બંને શખ્સો વિક્રમપ્રતાપ ગોપીચન્દ્ર સિંઘ અને ગુરજીતસિંહ ગુરુદયાલસિંહ ભટ્વી (બંને રહે.ભિલાઇ, દુર્ગ શહેર, છત્તીસગઢ) જાણવા મળ્યું હતું.
જિલ્લા પોલીસની એક ટીમ છત્તીસગઢ ગઇ હતી અને સ્થાનિક પોલીસની મદદથી પ્રથમ વિક્રમપ્રતાપને બાદમાં ગુરજીતસિંહને ઝડપી પાડયા હતાં. બંનેની અટકાયત કરીને ગઇ રાત્રે જ વડોદરા લાવવામાં આવ્યા હતાં. પોલીસ પૂછપરછમાં પ્રાથમિક જાણવા મળ્યું હતું કે કાપડના વેપારી આશિષ બાકોલીયા અગાઉ ફિજીમાં દયાલ સ્ટીલ કંપનીમાં ફાયનાન્સિયલ મેનેજર તરીકે નોકરી કરતા હતા ત્યારે કંપનીના માલિક જય દયાલ સાથે ઝઘડો થયો હતો બાદમાં આશિષ ભારત આવી ગયા હતાં.
જ્યારે દયાલ સ્ટીલ કંપનીના માલિક જય દલાલે આશિષને મારી નાંખવા માટે તેમની કંપનીમાં કામ કરતા વિક્રમપ્રતાપને રૃપિયા આપીને ભારત મોકલ્યો હતો. વિક્રમપ્રતાપ ભારત આવ્યા બાદ તેને રૃપિયાની મદદ પણ જય દલાલે કરી હતી. વિક્રમપ્રતાપે બાદમાં ગુરજીતસિંહને તૈયાર કર્યો હતો અને બંનેએ વડોદરા આવીને ફાયરિંગ કર્યા બાદ બંને ટ્રેન મારફતે પરત જતા રહ્યા હતાં. પોલીસે એક પિસ્તલ, બે મેગઝીન અને ૧૦ કારતૂસ પણ કબજે કર્યા છે.
વિક્રમ ૨૦ એપ્રિલે આવ્યો અને ૭ જુલાઇએ ફિજી જવાનો હતો
ફાયરિંગ કેસમાં ઝડપી પાડેલા વિક્રમપ્રતાપ સિંઘની પોલીસે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ચેક કરતા તા.૨૦ એપ્રિલના રોજ તે ભારત આવ્યો હતો અને તે પરત વિદેશ ભાગી ના જાય તે માટે તેની સામે લુક આઉટ નોટિસ પણ ઇસ્યૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરામાં ફાયરિંગ કર્યા બાદ તા.૭ જુલાઇના રોજ ફિજી નાસી જવાનો હતો પરંતુ તેને ઝડપી પાડયો છે.
પોલીસે ૨૦૦૦ સીસીટીવી ચેક કર્યા, ફાયરિંગ પહેલા બે મૂવી જોયા
કાપડના વેપારી પર ફાયરિંગની ઘટનામાં પોલીસની વિવિધ ટીમો દ્વારા ૨૦૦૦થી પણ વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતાં જેમાં પ્રથમ મેડિકલ સ્ટોરમાં જણાયા બાદ તબક્કાવાર તેઓની ઓળખ થઇ શકી હતી. ફાયરિંગના દિવસે બંસલ મોલમાં ધૂરંધર તેમજ આગલા દિવસે વાઘોડિયારોડ પર જિંદગી વન્સ મોટ મૂવી પણ જોયું હતું.
સોપારી કેમ આપી તે સ્પષ્ટ થયું નથી, ફાયરિંગનું કારણ અકબંધ
વેપારી પર ફાયરિંગનું કારણ ખરેખર શું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. ફિજીની કંપનીના માલિકે સોપારી કેમ આપી તે વિગતો બહાર આવી નથી. ખરેખર સોપારી આપી તે કારણ છે કે અન્ય કોઇ કારણે છે તે અંગે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સ્ટીલ કંપનીના માલિકે વિક્રમસિંહની પત્ની સોનલના ખાતામાં રૃા.૨.૭૨ લાખ જમા કરાવ્યા હતા જેમાંથી રૃા.૫૦ હજાર વિક્રમે ફાયરિંગ કરનાર ગુરજીતસિંહને આપવાનું નક્કી કર્યુ હતું.









