ટેન્સાઇલ સ્ટીલ કંપની વિવાદમાં કોર્ટના હુકમ બાદ આખરે એફઆઈઆર નોંધાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુરની ટેન્સાઈલ સ્ટીલ લિમિટેડના ડાયરેક્ટર અમિત શાહનું બોગસ રાજીનામું બનાવવું અને કંપનીના વધારાના ડાયરેક્ટર તરીકે ધર્મેશ અને પિન્કેશની બારોબાર નિંમણુંક કરવા મામલે ક્રાઈમ બ્રાન્ચે સંજય પટેલ સહિત ચાર સામે છેતરપીંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે.
ફરિયાદી કિશોર જગજીવનદાસ સુરતવાલાએ સંજયકુમાર પટેલ, ધર્મેશકુમાર અમીન , જીગ્નેશ દેસાઈ , પીન્કેશ રાય (તમામ રહે. આત્મિય હાઈટ્સ, મકરપુરા રોડ)સામે અરજી કરી હતી. ફરિયાદ મુજબ તેઓ વર્ષ ૨૦૧૮થી કંપનીમાં ડિરેક્ટર હતા અને રાજીનામું આપ્યા વગર જ તેમને પદ પરથી દૂર કરી દેવાયા હતા. આરોપીઓએ કરોડોની કિંમતની કંપનીની જમીન કબજે કરવા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરી કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ કરાયો છે.
કોર્ટમાં રજૂ થયેલા ડીસીબીના રિપોર્ટમાં ફરિયાદી સામે નોંધાયેલા ગુના અને હાલની ફરિયાદ બંનેની તપાસ એક જ પોલીસ અધિકારી કરી રહ્યા હોવાનું જણાવાયું છે. કોર્ટે નોંધ્યું કે પ્રથમ દ્રષ્ટિએ કોગ્નિઝેબલ ગુનો બનતો હોવા છતાં ફરિયાદ નોંધવામાં આવી નથી અને તે અંગે કોઈ સંતોષકારક કારણ પણ આપવામાં આવ્યું નથી.
આથી અદાલતે ફરિયાદીની અરજી મંજૂર કરી ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓ સામે પ્રથમ દર્શનીય ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો, જેના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે સંજય પટેલનું કહેવું છે કે અમને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. આ વિવાદમાં કોર્ટે પોલીસ કમિશ્નરને નવા તપાસ અધિકારીની નિમણૂંક કરવા પણ જણાવતા આ નિર્ણયને અમે આવકારીએ છીએ.




