Baroda

પુત્રની હત્યાનો બદલો લેવા પિતાએ રચ્યું હત્યાનું કાવતરું, ૪ની ધરપકડ

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા: સોમાતળાવ પાસે વણઝારા સમાજના ગરબા મહોત્સવમાં નિલેશ વણઝારાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. કપુરાઈ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જૂની અદાવતમાં સુમિત વણઝારાના સંબંધીઓએ નિલેેશની હત્યા કરી હતી. પોલીસે 100થી વધુ CCTV ફૂટેજ તપાસી પુરાવા એકત્ર કર્યા છે. પૂનમે ₹30 લાખ અને 2 ઘરની લાલચમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પુત્રની હત્યાનો બદલો લેવા પિતાએ રચ્યું હત્યાનું કાવતરું, ૪ની ધરપકડ

ગત્ ૧૯ ઓક્ટોબરે સોમાતળાવ ચાર રસ્તા પાસેના સ્વાગત પાર્ટી પ્લોટમાં આયોજિત વણઝારા સમાજના ગરબા મહોત્સવમાં અગાઉની હત્યાની અદાવતે નિલેશ વણઝારા(૨૪)ની ચાકૂના ત્રણ ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. મૃતકના ભાઈની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આજે કપુરાઈ પોલીસ અને એલસીબી ઝોન ૩ની ટીમે મુખ્ય સૂત્રધાર સહિત ૪ આરોપીઓને પકડી પાડયા છે.

જૂલાઈ,૨૦૨૬માં નાણાંની લેતી-દેતીની માથાકૂટમાં થયેલી સુમિત વણઝારાની હત્યાના ગુનામાં મૃતક નિલેશનો મોટો ભાઈ અજય હાલ જેલમાં છે, સુમિતના ખૂનની અદાવત રાખી સુમિતના સંબંધીઓએ નિલેશને મોતને ઘાટ ઉતાર્યો હોવાની દિશામાં પોલીસે તપાસ શરુ કરી સુમિતના પિતા વિક્રમ વણઝાર સહિતના શકમંદોની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો છે. તપાસ દરમિયાન પોલીસે ૧૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. તેમજ બનાવ સમયે હાજર લોકો અને વિક્રમની પૂછપરછમાં સમગ્ર વિગતો બહાર આવી હતી.

પૂનમ, વિક્રમ, વિજય તથા સતિષે ભેગા મળી હત્યા કરવાનો પ્લાન ઘડયો હતો. વિજય સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે બેસીને રેકી કરી રહ્યો હતો. વિક્રમ નંબર પ્લેટ વગરની બાઈક અને ચાકુ પૂનમને આપી ગયો હતો. પૂનમની મદદમાં સતીષ રીક્ષા લઈ સાથે રહ્યો હતો. ગરબા સ્થળે વિક્રમના ભત્રીજા વિજયે ઈશારો કરતા પૂનમે બાઈક ચાલુ ઊભી રાખી નિલેશને ચાકુના ઘા મારી નજીકમાં પાર્ક એક રીક્ષામાં બેસી જઈ ચાકુ રીક્ષામાં જ ફેંકી દીધું હતું. ત્યારબાદ મોકો મળતા પરત આવી બાઈક લઈ ગયો હતો અને ત્યારબાદ સતીષની રીક્ષામાં બેસીને નાસી છૂટયો હતો.

જામ્બુઆ બ્રિજ પાસેની હોટલમાંથી ખંજર ખરીદ્યું

રીક્ષા ચલાવતા પૂનમ વણઝારા(૩૦)એ હત્યા કરી હોવાનું જાણવા મળતા જ પોલીસની ટીમો મહીસાગર અને રાજસ્થાન તરફ રવાના થઈ હતી. અંતે મહીસાગરના લુણાવાડાની હદમાંથી પૂનમને પકડી પાડયો હતો. પૂનમે કબૂલાત કરી કે વિક્રમ મને અવારનવાર આર્થિક મદદ કરતો હતો. નિલેશની હત્યા કરવા વિક્રમે મને રૃા.૩૦ લાખ તથા બે ઘર આપવાની લાલચ આપી હતી. ત્યારબાદથી રેકી કરવાનું શરુ કરતા નિલેશ સ્વાગત પાર્ટી પ્લોટમાં ગરબા રમવા પહોંચ્યો હોવાની જાણ થતા મેં અને વિક્રમે જામ્બુઆ બ્રિજ પાસેની એક હોટલમાંથી ચાકુ(ખંજર) ખરીદ્યું હતું.

કાવતરું રચવું અને મદદગારીની કલમ ઉમેરાશે

તપાસ દરમિયાન પોલીસે ચાકુ તથા બે મોબાઈલફોન કબજે કર્યા છે. આ ગુનામાં કાવતરું અને મદદગારીની કલમનો ઉમેરો કરાશે. આરોપી પૂનમ સામે ગોરવા પોલીસ સ્ટેશને જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. હવે આવતીકાલે ગુરુવારે પોલીસ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે. આ દરમિયાન ઘટના સ્થળે આરોપીને લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન સાથે પંચનામુ કરી પુરાવા એકત્ર કરવા ઉપરાંત, આરોપીઓના કોલ રેકોર્ડિંગની તપાસ કરાશે. હજુ ગુનામાં ઉપયોગમાં લીધેલું બાઈક કબજે કરવાનું બાકી છે.

આરોપીઓના નામ અને સરનામા

- પૂનમ અમરસિંહ વણઝારા(૩૦) (રહે.વુડાના મકાન,ખોડિયારનગર)

- વિક્રમ ગોરધન વણઝારા (૪૨)(રહે.ભાનુપ્રતાપ સોસાયટી,કિશનવાડી)

- સતીષ ઉર્ફે ગલ્લો મોહન દેવીપૂજક(૨૧) (રહે.વુડાના મકાન, કિશનવાડી)

-વિજયકુમાર ઉર્ફે વિજુ ઉર્ફે બ્રિજેશ દિનેશ વણઝારા(૧૯) (રહે.વુડાના મકાન, કિશનવાડી)