સાત વર્ષ બાદ પણ બીલ ગામના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઠેરના ઠેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ. કોર્પોરેશનની હદમાં બીલ ગામનો સમાવેશ થયાને સાત વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં ગામમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલાયા નથી. આજે બીલ ગામના હરિદર્શન ડુપ્લેક્સના રહીશોએ એકત્ર થઈ તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિસ્તારમાં ગંદકી, ગટર અને વરસાદી પાણીના ભરાવાની સમસ્યાઓ અંગે રોષ વ્યક્ત કર્યો છે.
બીલ ગામમાં ખુલ્લી વરસાદી કાંસ અને વારંવાર ઉભરાતી ગટરોના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને વિસ્તારમાં બીમારીનો વાવર ફેલાવાની ભીતિ વચ્ચે રહીશો પરેશાન છે. ચોમાસાની તુમાં સામાન્ય વરસાદ પડતાં જ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને બે દિવસ સુધી પાણીનો નિકાલ થતો ન હોવાનું જણાવાયું છે.
અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાના ઉકેલ નહીં આવવાથી રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. વારંવારની સમસ્યાઓથી કંટાળેલા કેટલાક નાગરિકો હવે ઘર બદલવાનો વિચાર કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. સ્વચ્છતા અને વિકાસની વાતો કરતા અધિકારીઓને સ્થાનિકોએ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા બીલ ગામની મુલાકાતે આવવા આમંત્રણ આપ્યું છે.




