પીએમ મોદીના કાર્યક્રમના એક મહિના બાદ પણ યુનિ.ના ગ્રાઉન્ડ પરના ખાડા યથાવત, ત્રણ ખેલાડીઓને ઈજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ પર એક મહિના પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમના આયોજનના કારણે મેદાન ખરાબ થશે તેવો ઉહાપોહ પણ થયો હતો. આ કાર્યક્રમના એક મહિના બાદ પણ મેદાનનો મોટો હિસ્સો રમવા લાયક નથી તેવું દેખાઈ રહ્યું છે.
આ કાર્યક્રમ માટે ડોમ ઉભો કરવા મેદાન પર ખાડા ખોદવામાં આવ્યા હતા. સામાન લાવવા લઈ જવા માટે ટ્રકોની અવર જવર થઈ હતી.અહીંયા રોજ પ્રેક્ટિસ કરવા માટે આવતા ખેલાડીઓનું કહેવું છે કે, કાર્યક્રમ પૂરો થયા બાદ ફરાસખાનુ હટાવવા માટે ટ્રકોની અવર જવર થઈ હતી. તે જ વખતે વરસાદ પણ પડયો હતો. અને આઉટ ફિલ્ડ ભીનું થઈ ગયું હતુ. વજનદાર ટ્રકોના કારણે આઉટ ફિલ્ડ પર ખાડા પડયા હતા. જે હજી પણ યથાવત છે.
તેમાં પણ ફૂટબોલ, ક્રિકેટ ગ્રાઉન્ડ અને જોગિંગ ટ્રેકની હાલત તો સૌથી ખરાબ છે. આગામી દિવસોમાં યોજનારી ફૂટબોલ ટુર્નામેન્ટના સિલેક્શન માટે અમને પ્રેક્ટિસ કરવામાં તકલીફ પડી રહી છે. ત્રણ ખેલાડીઓને તો ઈજા પણ થઈ છે. આ બાબતે ફિઝિકલ એજ્યુકેશન વિભાગના અને યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કર્યા બાદ પણ ગ્રાઉન્ડને સમથળ કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ટ્રકોની અવર જવર માટે ગ્રાઉન્ડની રોડ તરફની દીવાલનો એક હિસ્સો પણ તોડી નાંખવામાં આવ્યો હતો. જોકે એ પછી તંત્રે ફરી દીવાલ બનાવી આપી છે પણ આઉટફિલ્ડ રમવાલાયક નથી.




