વિધ્નહર્તાદેવની આજે ભાવભરી વિદાયઃવડોદરામાં 11 કૃત્રિમ તળાવોમાં 25000 પ્રતિમાઓનું વિસર્જન,હાઇટેક બંદોબસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભક્તોની વચ્ચે દસ દિવસથી આતિથ્ય માણી રહેલા વિધ્નહર્તા દેવ ગણેશજી આવતી કાલે તા.૨૫મીને અનંત ચતુર્દશીએ ભાવભરી વિદાય લેનાર હોવાથી વડોદરા શહેર પોલીસે અર્ધ લશ્કરી દળો સહિતનો જંગી પોલીસ કાફલો ખડકી દીધો છે.
શ્રીજી વિસર્જન માટે શહેરમાં ૧૧ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે,જેમાં આવતી કાલે મોડી રાત સુધીમાં ૨૫ હજારથી વધુ નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે.વહીવટી તંત્રએ આ માટે તળાવો પર ક્રેન,લાઇટ સહિતની પુરતી વ્યવસ્થા કરી દીધી છે.જ્યારે તરવૈયાઓની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે.
શહેર પોલીસ કમિશનરે આજે પોલીસ બંદોબસ્તને આખરી ઓપ આપ્યો હતો અને સંવેદનશિલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાવ્યું હતું.શ્રીજી વિસર્જન માટે શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે બહારથી આવનારા અધિકારીઓ અને જવાનો સહિત આશરે ૫૦૦૦ જેટલા જવાનો બંદોબસ્ત બજાવશે.
ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે એસઆરપીની ચાર કંપની, તેમજ સીઆઇએસએફ, બીએસએફ, રેપિડેક્શન ફોર્સ અને સ્પેશિયલ એક્શન ફોર્સની એક -એક કંપની પણ તૈયાર રાખવામાં આવી છે.જ્યારે અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે.
શ્રીજી વિસર્જન માટે હાઇટેક બંદોબસ્ત 1800 જેટલી સવારીઓ લાઇવ ટ્રેક થઇ શકશે
શ્રીજી વિસર્જન દરમિયાન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને ત્રણ હજારથી વધુ કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવનાર છે.
પોલીસ કમિશનરે કહ્યું છે કે,પોલીસ સમક્ષ નોંધાયેલા ગણેશ મંડળોની ૧૮૦૦ જેટલી સવારીઓ પંડાલ થી માંડીને વિસર્જન સુધીના રૃટ પર લાઇવ ટ્રેકિંગ થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કંટ્રોલરૃમ પણ ઉભો કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ સાયબર સેલ દ્વારા અફવા ફેલાવનારા તત્વો પર નજર રાખવામાં આવનાર છે.પોલીસના બોડીવોર્ન કેમેરા, કોર્પોરેશન અને પોલીસના બીજા કેમેરા, ખાનગી કેમેરા તેમજ ડ્રોન કેમેરાનો વધુ ઉપયોગ કરવામાં આવનાર છે.




