Baroda

પદવીદાન સમારોહના દરેક ગોલ્ડ મેડલ પાછળ યુનિ.ને રૃા.11500નો ખર્ચ થશે

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીના 75મા પદવીદાન સમારોહમાં અપાતા ગોલ્ડ મેડલનો ખર્ચ બમણો થયો છે. સોના-ચાંદીના ભાવ વધતાં, યુનિવર્સિટીને એક મેડલ 11500 રૂપિયામાં પડશે. ગત વર્ષે આ ખર્ચ 5300 રૂપિયા હતો. જોકે, આ વર્ષે ત્રણ વર્ષના ડિગ્રી કોર્સના વિદ્યાર્થીઓને મેડલ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી મેડલની સંખ્યા ઘટશે. 150 થી 200 જેટલા ગોલ્ડ મેડલ એનાયત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પદવીદાન સમારોહના દરેક ગોલ્ડ મેડલ પાછળ યુનિ.ને રૃા.11500નો ખર્ચ થશે

એમ.એસ.યુનિવર્સિટીના તા.૨૩ સપ્ટેમ્બરે યોજનારા ૭૫મા પદવીદાન સમારોહમાં અપાનારા ગોલ્ડ મેડલ પર સોના ચાંદીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં આવેલા ઉછાળાની અસર વરતાઈ છે.એક અંદાજ અનુસાર યુનિવર્સિટીને દરેક વિદ્યાર્થીને અપાનારો ગોલ્ડ મેડલ ૧૧૫૦૦ રુપિયામાં પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં ગોલ્ડ મેડલના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી.આ દરખાસ્ત અનુસાર દરેક મેડલ માટે ૧૧૫૦૦ રુપિયા ચૂકવાશે.યુનિવર્સિટી દ્વારા અપાતા ગોલ્ડ મેડલનું વજન ૫૦ ગ્રામ હોય છે.જે બનાવવા માટે શુધ્ધ ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવે છે.
સૂત્રોનું કહેવું છે કે, ગત વર્ષના પદવીદાન સમારોહમાં દરેક ગોલ્ડ મેડલ માટે ૫૩૦૦ રુપિયા ખર્ચ થયો હતો.આમ આ વર્ષે ગોલ્ડ મેડલનો ખર્ચ ડબલ થઈ ગયો છે.જોકે આ વર્ષે સત્તાધીશોએ ત્રણ વર્ષના ડિગ્રી કોર્સમાં વિદ્યાર્થીઓને મેડલ નહીં આપવાનો હાલના તબક્કે નિર્ણય લેવાયો છે.જેના કારણે મેડલની સખ્યા ઓછી થઈ જશે.આમ છતાં બાકીના મેડલને ગણતરીમાં લેવામાં આવે તો ૧૫૦ થી ૨૦૦ જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવા પડશે.

ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવા પૂરક પદવીદાન સમારોહ યોજવાનું સૂચન
યુનિવર્સિટી સત્તાધીશોએ કોમર્સ, આર્ટસ અને સાયન્સ જેવી ફેકલ્ટીમાં ત્રણ વર્ષ પૂરા કરનારા વિદ્યાર્થીઓની જગ્યાએ ઓનર્સ કોર્સના ચોથા વર્ષ બાદ ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવાનો નિર્ણય હાલના તબક્કે લીધો છે.જેના કારણે ઘણા ગોલ્ડ મેડલની આ વર્ષે બાદબાકી થઈ જશે.જોકે તેની સામે કચવાટ પણ છે.યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં આ મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી અને એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે, ત્રીજુ વર્ષ પૂરુ કરનારા વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ ગ્રેજ્યુએટ કેટેગરીના મેડલ અપાવા જોઈએ.જો મુખ્ય પદવીદાન સમારોહમાં આ મેડલ આપવા શક્ય ના હોય તો તેના માટે પછીથી પૂરક પદવીદાન સમારોહનું આયોજન કરવું જોઈએ.