Baroda

ઈ-બસ શહેર પૂરતી નહીં વુડા 25 કિલોમીટરને આવરી લેશે : અરુણ બાબુ

By GS Team
14 Aug 20263 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની ભરતી અને ઈલેક્ટ્રીક બસના ચાર્જિંગ સ્ટેશન મુદ્દે ભારે ચર્ચા થઈ. કોંગ્રેસે GPMC એક્ટ હેઠળ વર્ગ 1ની ભરતીમાં સાવચેતી અને ચાર્જિંગ સ્ટેશનના સ્થળ પૂર્તતા પર ભાર મૂક્યો. હાલ 50 ઈલેક્ટ્રીક બસ સામે એક જ ચાર્જિંગ સ્ટેશન છે, વધુ 23 બસ આવતા ત્રણેય ઝોનમાં નવા સ્ટેશન બનાવાશે. કુલ 200 બસનું આયોજન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈ-બસ શહેર પૂરતી નહીં વુડા 25 કિલોમીટરને આવરી લેશે : અરુણ બાબુ

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં જીપીએમસી એક્ટની કલમ હેઠળ વર્ગ એકમાં ટ્રાન્સપોર્ટ મેનેજર (વાહન વ્યવહાર મેનેજર)ની ભરતી કરવા માટે સાતમા પગાર પંચમાં પે મેટ્રિક્સ અંતર્ગત ભરતી કરવાની દરખાસ્ત આવતા કોંગ્રેસના સભ્યોએ આ મામલે સાવચેતીપૂર્વક નિર્ણય કરવા જણાવ્યું હતું. ઈલેક્ટ્રીક બસની સામે જરૂરી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા અને તે ઉભા કરતા અગાઉ જે વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવે તે જગ્યાની પૂર્તતા કરવાનું સૂચન કર્યું હતું.
પાલિકામાં ટ્રાન્સપોર્ટ મેનેજરની ભરતી હેઠળ સાતમા પગાર પંચમાં પે મેટ્રિક્સ રૂ.67,700-2,08,700માં કોર્પોરેશનની મંજૂરી મળવા હેઠળ રાજ્ય સરકારની મંજૂરી મેળવવા કમિશનરને અધિકૃત કરવાની દરખાસ્ત અંગે ચર્ચા થઈ હતી. જેમાં કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીએ જણાવ્યું હતું કે, આપણી પાસે જે રીતે ઈલેક્ટ્રીક બસો આવી છે તે પ્રમાણે જરૂરી ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ નથી. આગામી દિવસોમાં જો નવી બસો આવશે તો આ બધાના ચાર્જિંગની સુવિધા કેવી રીતે ઊભી કરાશે? અગાઉ ગોત્રીમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિક લોકોએ વિરોધ લીધો હતો ત્યારે બીજા ચાર્જિંગ સ્ટેશન અગાઉ આવું ન થાય તેનું ધ્યાન રાખવા તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પોબેન વાઘેલા જણાવ્યું હતું કે, તા.20 ઓક્ટોબર 2023ના રોજ સયાજીગંજ ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું નક્કી થયું પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટવાળાએ ત્યાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો ઇનકાર કરતા આપણે તેને સયાજીપુરા ખાતે શિફ્ટ કરવું પડ્યું ત્યારે ચાર્જિંગ સ્ટેશનના સ્થળના ઠરાવ અગાઉ યોગ્ય પ્રક્રિયા થાય તેને ધ્યાને લેવા તેમણે હાકલ કરી હતી.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આપણને હાલ 50 ઇલેક્ટ્રીક બસ ફાળવવામાં આવી છે અને આવતા મહિને વધુ 23 ઇલેક્ટ્રિક બસ આવવાની છે. કુલ 200 ઇલેક્ટ્રીક બસ આપણને મળવાની છે. હાલ મળેલી બસ સામે અત્યારે એક જ ચાર્જિંગ સ્ટેશન છે પરંતુ આગામી દિવસોમાં ત્રણેય ઝોનમાં એક-એક ચાર્જિંગ સ્ટેશન વધારવાનું આયોજન છે. આ બધું તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે. આપણે ઇલેક્ટ્રીક બસ માત્ર શહેર પૂરતી મર્યાદિત રીતે ચલાવવાની નથી પરંતુ વુડા વિસ્તાર અને શહેરની આજુબાજુનો 25 કિલોમીટર સુધીનો વિસ્તાર આવરી લેવાય તેવું આયોજન છે. આગામી દિવસોમાં સયાજીપુરા, મકરપુરા અને ભાયલીમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. જીપીએમસી એક્ટ મુજબ પાલિકામાં ભરતી પૈકી ટ્રાન્સપોર્ટરની ભરતી બીજા નંબર પર હોવી જોઈએ. આપણે આ કામમાં પણ આયોજનબદ્ધ રીતે આગળ વધીશું.
કમિટી બનતા જ પાલિકાનો હક છીનવાઈ જાય છે
પાલિકાની સભામાં પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ જણાવ્યું હતું કે, આપણે કોઈ બાબતનું સંચાલન કોઈ કમિટીને આપી દઈએ એ પછી પાલિકાનો જાણે કોઈ હક રહેતો નથી. સ્માર્ટ સિટીથી માડી ઘણી કમિટીઓ એવી છે જે ખર્ચ માટે પાલિકાની કોઈ મંજૂરી લેતું નથી કે તેમને કેટલી ગ્રાન્ટ આવી? તે વિશે પાલિકાની સભાને વિશ્વાસમાં લેતા નથી. ત્યારે સ્માર્ટ સિટીમાં પણ આવું ન થાય તેનું ધ્યાન રાખવા તેમણે સૂચન કર્યું હતું. આ પ્રસંગે આશિષ જોષીએ દરેક કમિટીમાં ઓછામાં ઓછા બે કોર્પોરેટરને સ્થાન મળવું જોઈએ તેવો આગ્રહ વ્યક્ત કર્યો હતો.