નાગરવાડા આંગણવાડી અને કિશનવાડી આરોગ્ય કેન્દ્રની આસપાસ દારૂડિયાઓનો અડિંગો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી આંગણવાડીની આસપાસ વર્ષોથી દેશી દારૂનું વેચાણ થતું હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. આંગણવાડી પાસે જ દારૂડિયાઓની ઉઠક-બેઠક રહેતી હોવાના કારણે અહીં ભણવા આવતા નાના બાળકો અને શિક્ષકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આંગણવાડીની આસપાસ દેશી દારૂની ખાલી પોટલીઓ અને પડીકાં પણ જોવા મળતાં હોવાની ફરિયાદો ઉઠી છે.
ગઈકાલે આંગણવાડીની મહિલા શિક્ષકે આ પ્રવૃત્તિ સામે વાંધો ઉઠાવી જણાવ્યું હતું કે, વર્ષોથી અહીં દારૂનો ધંધો ચાલે છે. પોલીસ આવે છે અને પૈસા લઈ જતી રહે છે. દારૂડિયાઓની અવરજવર, ગંદકી અને અસામાજિક તત્વોના ત્રાસના કારણે આંગણવાડીમાં બાળકોને ભણાવવામાં પણ મુશ્કેલી પડે છે. સ્થાનિકો દ્વારા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી દારૂના ધંધાને પોલીસની રહેમનજર હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત, હાથીખાના દરવાજા પાસે આવેલી આંગણવાડીની આસપાસ ગેરકાયદે વેપારની પ્રવૃત્તિ થઈ ગઈ છે. કોર્પોરેશનને અગાઉ આ જગ્યા દબાણો દૂર કરી ખુલ્લી કરી હતી. આજે ફરી દબાણો યથાવત થઈ ગયા છે. દબાણોના કારણે આંગણવાડી ઢંકાઈ ગઈ છે. તેમજ હાથીખાના દરવાજા પાસે આવેલી આંગણવાડીની આસપાસ ફરીથી ગેરકાયદે વેપારની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. આ સ્થળે અગાઉ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં ફરી દબાણો ખડકાઈ ગયા છે. હાલ દબાણોના કારણેઆંગણવાડી ઢંકાઈ ગઈ છે.
આંગણવાડીની આસપાસ દુકાનો અને અન્ય ગેરકાયદે વેપારની પ્રવૃત્તિઓ વધતા બાળકો તથા શિક્ષકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. પાલિકા દ્વારા અગાઉ કરાયેલી દબાણ હટાવવાની કાર્યવાહી બાદ ફરી દબાણો ઊભા થઈ જતાં કાયમી ઉકેલ લાવવા સામે પણ સવાલો ઊભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કિશનવાડી અર્બન હેલ્થ સેન્ટરના દરવાજા પાસે પણ લોકો દેશી દારૂ પીવા બેસતા હોવાની ફરિયાદો અગાઉથી ઉઠી છે. દારૂ પીધા બાદ ખાલી પોટલીઓ ત્યાં જ ફેંકી દેવામાં આવતી હોવાના કારણે ગંદકી પણ ફેલાઈ રહી છે. આ મામલે અર્બન હેલ્થ સેન્ટરના તબીબો દ્વારા અગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં સ્થિતિમાં ખાસ ફેરફાર ન થતાં હવે પોલીસ અને તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.




