વડોદરામાં આઠ મહિનાથી ડ્રેનેજ લાઈનની કામગીરી અધૂરી વેપારીઓ-રહીશો ત્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના ગાંધીનગર ગૃહથી ભક્તિ સર્કલ થઈ કાળુપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી છેલ્લા આઠ મહિનાથી ચાલી રહી છે. લાંબા સમયથી ચાલતી આ કામગીરીને કારણે સ્થાનિક વેપારીઓ, રહીશો અને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તથા રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. તેમાંય છેલ્લા બે દિવસથી પ્રતાપ ટોકીઝ પાસે ખોદકામ કરીને એક તરફનો માર્ગ બંધ કરી દેવાતાં મુશ્કેલીમાં વધારો થયો છે.
હાલ નવરાત્રિ અને દિવાળીના તહેવારોને પગલે શહેરના મધ્ય વિસ્તારમાં ખરીદી માટે લોકોની અવરજવર વધી છે. આવી સ્થિતિમાં મુખ્ય માર્ગ પર ખોદકામ અને એક તરફનો રસ્તો બંધ હોવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી રહી છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. લાંબા સમયથી ચાલતી કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે સ્થાનિકોમાં પણ સવાલો ઊભા થયા છે.
ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન માર્ગ પર ગંદું પાણી ફરી વળતું હોવાની ફરિયાદો અગાઉ પણ ઊઠી હતી. ગઈકાલે રાત્રે પણ ગાંધીનગર ગૃહથી ભક્તિ સર્કલ સુધીના માર્ગ પર પાણી ફરી વળતાં રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે, માર્ગ પર ગંદું પાણી ફેલાતું અટકાવવામાં આવે અને વાહનવ્યવહાર સુચારુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ ઊઠી છે.




