Baroda

ડ્રાઈવિંગ ટેસ્ટમાં વેઈટિંગ ઘટાડવા ડબલ શિફ્ટની નોબત આવી

By GS Team
25 Nov 20262 mins read
TukuTouch Logo
દરજીપુરા RTO ખાતે AI ટ્રેક પર ટેસ્ટમાં નાપાસ થવાનું પ્રમાણ વધતા વેઈટિંગની સમસ્યા ઊભી થઈ છે. આથી, RTO દ્વારા 25 નવેમ્બરથી ડબલ શિફ્ટમાં ટેસ્ટ લેવાનું શરૂ કરાયું છે. હવે ફોરવ્હીલરના 180 અને ટુવ્હીલરના 252 ટેસ્ટ દરરોજ લેવાશે. આજે ફોરવ્હીલરમાં 93માંથી માત્ર 17 પાસ થયા, જ્યારે ટુવ્હીલરમાં 157માંથી 133 પાસ થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રાઈવિંગ ટેસ્ટમાં વેઈટિંગ ઘટાડવા ડબલ શિફ્ટની નોબત આવી

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ટ્રેક પર અરજદારો ફેલ થવાનું પ્રમાણ વધવાથી સર્જાયેલી વેઈટિંગની સમસ્યા ઉકેલવા ડબલ શિફ્ટમાં ટેસ્ટ લેવાની નોબત આવી છે.

આરટીઓ ખાતે એઆઈ ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની પ્રક્રિયા શરૃ થયા બાદ ફોરવ્હીલરનું લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારોની મુશ્કેલી વધી છે. એઆઈ ટ્રેક પર લેવાતા ટેસ્ટમાં મોટી સંખ્યામાં અરજદારો નાપાસ થઈ રહ્યા હોવાથી ફરી ટેસ્ટ આપવા માટે સ્લોટ બૂક કરાવનારા અરજદારોની સંખ્યા પણ વધી રહી છે. નવા અરજદારો અને અગાઉ નાપાસ થયેલા અરજદારો બંને સ્લોટ બૂક કરાવતા હોવાથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું વેઇટિંગ સતત વધી રહ્યું છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરટીઓ દ્વારા ટેસ્ટની ક્ષમતા વધારવા માટે ડબલ શિફ્ટમાં ટેસ્ટ લેવાનો નિર્ણય કરાયો છે. અગાઉ સવારે ૯ઃ૩૦થી સાંજે ૬ વાગ્યા સુધી એક જ શિફ્ટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવતા હતા. જોકે આજે ૨૫ નવેમ્બરથી નવી વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. હવે સવારે ૮થી બપોરે ૧ વાગ્યા સુધી પ્રથમ શિફ્ટ અને બપોરે ૨થી સાંજે ૬ વાગ્યા સુધી બીજી શિફ્ટમાં ટેસ્ટ લેવાશે.

અગાઉ ફોરવ્હીલરના ૧૫૨ ટેસ્ટ લઈ શકાતા હતા, જેની સામે હવે ૧૮૦ ટેસ્ટ લેવાશે, જ્યારે ટુવ્હીલરના ટેસ્ટની સંખ્યા ૧૮૪થી વધારીને ૨૫૨ કરાઈ છે. આમ, આરટીઓ દ્વારા ટેસ્ટની સંખ્યા વધારીને વેઇટિંગ ઘટાડવાનો પ્રયાસ કરાયો છે.

બીજી તરફ,આજે બપોરે ૪ વાગ્યા સુધીમાં ફોરવ્હીલરના ૯૩ અરજદારોએ ટેસ્ટ આપ્યો હતો, જેમાંથી માત્ર ૧૭ અરજદારો જ પાસ થયા હતા. તેમજ ટુવ્હીલરના ૧૫૭ અરજદારોમાંથી ૧૩૩ પાસ થયા હતા.