Baroda

વડોદરા પાલિકાની દબાણ શાખાની કાર્યવાહી છતાં ગણતરીના કલાકોમાં લારીઓ ફરી રસ્તા પર : ટ્રાફિક અને રાહદારીઓની મુશ્કેલી યથાવત

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર ફળ-શાકભાજીના ગેરકાયદે વેચાણથી ટ્રાફિક અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ હટાવે છે, દંડ વસૂલે છે, છતાં થોડા સમયમાં જ ફરી લારીઓ ગોઠવાઈ જાય છે. આ પ્રતિબંધિત પ્રવૃત્તિ વર્ષોથી ચાલે છે, ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે મોટો પ્રશ્ન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાલિકાની દબાણ શાખાની કાર્યવાહી છતાં ગણતરીના કલાકોમાં લારીઓ ફરી રસ્તા પર : ટ્રાફિક અને રાહદારીઓની મુશ્કેલી યથાવત

Vadodara News : વડોદરા શહેરમાં જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર ફળ-શાકભાજીનું વેચાણ કરવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી હોવા છતાં તેનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વેપાર કરતા અનેક ફળ અને શાકભાજીના લારીધારકો જાહેર રસ્તા, ફૂટપાથ તેમજ ટ્રાફિકને અડચણરૂપ બને તેવી જગ્યાએ જ વેચાણ કરતા જોવા મળે છે. પરિણામે રસ્તાઓ સાંકડા થવાની સાથે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે.
જાહેર રસ્તા પર ફળ-શાકભાજીનું વેચાણ કરવું પ્રતિબંધિત હોવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર જ શાકમાર્કેટ ભરાઈ જાય છે. ખાસ કરીને મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રસ્તાની બાજુમાં લારીઓ ઊભી રહેતા લોકો હેરાન થાય છે. બીજી તરફ ખરીદી કરવા આવતા લોકો પણ રસ્તા પર જ વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફળ-શાકભાજીના ગેરકાયદે દબાણ સામે દબાણ શાખા અને સેનેટરી વિભાગ મારફતે કાર્યવાહી કરવામાં આવે છે. રસ્તા પર ઉભી રહેલી લારીઓ જપ્ત કરી દંડ વસૂલવામાં આવે છે. જોકે આ કાર્યવાહી બાદ પણ થોડા જ કલાકોમાં અથવા બીજા દિવસે ફરી એ જ સ્થળે વેચાણ શરૂ થઈ જતું હોવાની સ્થિતિ જોવા મળે છે.
કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા શાકભાજી માર્કેટ તેમજ નિયત સ્થળોએ જ ફળ-શાકભાજીનું વેચાણ કરવાની જોગવાઈ છે. તેમ છતાં વેપારીઓ દ્વારા જાહેર માર્ગો પર જ ધંધો કરવામાં આવતો હોવાથી સવાલ એ છે કે વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે?