Baroda

‘ઢગલાબંધ ફરિયાદો છતાં માત્ર પેચવર્ક’ : સ્માર્ટ સિટીની વાતો વચ્ચે ગાજરાવાડી રોડ પર ખાડા-ટેકરાનું સામ્રાજ્ય યથાવત્

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ગાજરાવાડી પાણીની ટાંકી રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. વોર્ડ નંબર 14 અને 16 વચ્ચેનો આ મુખ્ય માર્ગ પૂર્વ વિસ્તારને શહેરના મધ્ય ભાગ સાથે જોડે છે. વિહાર ટોકીઝથી ગણપતિ મંદિર સુધીનો આશરે 0.5 કિલોમીટરનો પટ્ટો ખાડા-ટેકરાથી ભરેલો છે. વારંવાર પેચવર્ક છતાં કાયમી ઉકેલ નથી, જેનાથી નાગરિકોમાં રોષ છે. જમીન સંપાદન અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કાયમી સમારકામની માગણી ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ઢગલાબંધ ફરિયાદો છતાં માત્ર પેચવર્ક’ : સ્માર્ટ સિટીની વાતો વચ્ચે ગાજરાવાડી રોડ પર ખાડા-ટેકરાનું સામ્રાજ્ય યથાવત્

Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નંબર 14 અને 16ના સીમાંકન વચ્ચે આવેલા ગાજરાવાડી પાણીની ટાંકી રોડની હાલત વર્ષોથી બિસ્માર છે. છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.
વિહાર ટોકીઝથી વાઘોડિયા રોડ વિસ્તારને જોડતો આ માર્ગ પૂર્વ વિસ્તારના નાગરિકોને શહેરના મધ્ય વિસ્તાર સાથે જોડતો મુખ્ય માર્ગ છે. 24 કલાક વાહનોની અવરજવર રહેતા આ માર્ગ પર વિહાર ટોકીઝથી ગણપતિ મંદિર સુધીના આશરે અડધા કિલોમીટરના પટ્ટામાં બારેમાસ ખાડા-ટેકરા જોવા મળે છે. વારંવાર પેચવર્ક કરાતા માર્ગ વધુ ઉબડખાબડ બને છે, જેના કારણે નાગરિકોમાં રોષ છે.
ગાજરાવાડી પાણીની ટાંકી રોડ પહોળો કરવા માટે જમીન સંપાદનનો મુદ્દો અગાઉથી પેન્ડિંગ છે. બીજી તરફ, માર્ગ પર આવેલાં ધાર્મિક સ્થળોના કારણે પણ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. ખાડા-ટેકરાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માર્ગની કાયમી સુધારણા ક્યારે થશે, એવા સવાલો નાગરિકોમાં ઉઠી રહ્યા છે.
વોર્ડ નંબર 14ના એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, “આ માર્ગની ખરાબ પરિસ્થિતિ અંગે ઢગલાબંધ ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં કાયમી સમારકામના બદલે વારંવાર પેચવર્ક કરવામાં આવે છે.” પેચવર્ક પાછળ ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા વ્યક્ત કરતાં તેમણે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે સ્માર્ટ રસ્તાઓની વાતો થાય છે, પરંતુ મુખ્ય માર્ગની સમસ્યાનો ઉકેલ લાવવામાં કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ નિષ્ફળ રહ્યા છે.
તાજેતરમાં ગણેશોત્સવ દરમિયાન પાંચમા દિવસે શ્રીજીની મૂર્તિઓના વિસર્જન માટે જતા ગણેશ ભક્તોને પણ ખાડા-ટેકરાવાળા માર્ગના કારણે મુશ્કેલી પડી હતી. વર્ષોથી યથાવત્ સમસ્યાને પગલે નાગરિકો હવે પેચવર્કના બદલે રસ્તાનું કાયમી સમારકામ અને માર્ગ પહોળો કરવાની કામગીરી વહેલી તકે હાથ ધરવાની માગણી કરી રહ્યા છે.