પ્રધાનમંત્રીના કાર્યક્રમ પાછળ કરોડોનો ખર્ચ, બાબાસાહેબની સંકલ્પ ભૂમિ માટે વ્યવસ્થા ઉભી કરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની ચર્ચા વચ્ચે આગામી 23 સપ્ટેમ્બરના સંકલ્પ દિનની ઉજવણી માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવાની માગ કરવામાં આવી છે. પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી સંકલ્પ ભૂમિ ખાતે આવનારા મહેમાનો અને લોકો માટે વ્યવસ્થા કરવા માગ કરી છે. ડૉ.બાબાસાહેબ આંબેડકરના જીવન સાથે વડોદરાની સંકલ્પ ભૂમિનું વિશેષ જોડાણ હોવાનું જણાવતાં રજૂઆતમાં કહ્યું છે કે, વડોદરા છોડીને જતા સમયે સયાજી ગાર્ડનમાં એક વડના વૃક્ષ નીચે બાબાસાહેબે દેશના અન્યાય, શોષણ અને અપમાનનો ભોગ બનતા લોકો માટે લડવાનો સંકલ્પ લીધો હતો. આ સ્થળને સંકલ્પ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ અહીં સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવે છે.
સંકલ્પ દિન નિમિત્તે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો વડોદરા આવે છે. ત્રણ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આવી સ્થિતિમાં બહારગામથી આવતા લોકો માટે યોગ્ય સુવિધાઓ ઊભી કરવી જરૂરી હોવાનું ચંદ્રકાંત શ્રીવાસ્તવે રજૂઆતમાં જણાવ્યું છે.
તેમણે ખાસ કરીને ચાર હોલની વ્યવસ્થા તેમજ બે દિવસ માટે ભોજનની વ્યવસ્થા કરવાની માગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા નેતાઓના વિવિધ કાર્યક્રમો અને સમારોહ પાછળ મોટી રકમ ખર્ચે છે, ત્યારે બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલી સંકલ્પ ભૂમિ ખાતે દેશના વિવિધ વિસ્તારોમાંથી આવતા લોકો માટે પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં પણ કોર્પોરેશને આગળ આવવું જોઈએ.
રજૂઆતમાં એવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, જ્યારે મોટા રાજકીય કાર્યક્રમો માટે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે વ્યવસ્થાઓ અને ખર્ચ કરવામાં આવે છે, ત્યારે સંકલ્પ દિન જેવા મહત્વના પ્રસંગે બહારગામથી આવતા લોકો માટે જરૂરી સુવિધા ઊભી કરવામાં કેમ કચાશ રાખવામાં આવે?




